Loading...

Bhavnath No Melo 2026 Date: જૂનાગઢમાં ભવનાથનો મેળો ક્યારે શરૂ થશે? જાણો 'મિનિ કુંભ' ગણાતા આ મેળાની તારીખ

Bhavnath No Melo 2026 Date: ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રીના પાવન પર્વે યોજાતા અને સાધુ-સંતોના 'મિનિ કુંભ' તરીકે ઓળખાતા ભવનાથના મેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 14 Jan 2026 08:44 AM (IST)Updated: Wed 14 Jan 2026 08:44 AM (IST)
bhavnath-no-melo-fair-2026-start-and-end-date-significance-mahadev-temple-junagadh-gujarat-673861

Bhavnath No Melo (Fair) 2026 Date: ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રીના પાવન પર્વે યોજાતા અને સાધુ-સંતોના 'મિનિ કુંભ' તરીકે ઓળખાતા ભવનાથના મેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મેળો વર્ષ 2026 માં ફેબ્રુઆરી માસમાં યોજાશે. સુવર્ણરેખા નદીના કિનારે યોજાતા આ મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.

વર્ષ 2026માં ભવનાથનો મેળો કયારે શરૂ થશે?

વર્ષ 2026 માં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ 11 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. હિન્દુ પંચાંગ મુજબ મહા વદ નોમથી અમાસ સુધી પાંચ દિવસ ચાલતા આ મેળાનું સમાપન 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે થશે. આ દિવસે નાગા સાધુઓની ભવ્ય રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે.

ધજારોહણ અને રવેડીનું આકર્ષણ

મેળાની શરૂઆત મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવના મંદિર પર ધાર્મિક વિધિ સાથે ધજા ચડાવીને કરવામાં આવે છે. મેળાના અંતિમ દિવસે એટલે કે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા બાવાઓનું ભવ્ય સરઘસ (રવેડી) નીકળે છે. હાથી પર સવાર, હાથમાં ધર્મદંડ, તલવાર અને શંખનાદ કરતા, ભભૂતધારી નાગા સાધુઓને નિહાળવા એ એક લહાવો હોય છે. આહીર અને મેર સમાજ માટે આ મેળો અતુટ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

મૃગીકુંડનું રહસ્ય અને ઐતિહાસિક મહત્વ

આ મેળાનું સૌથી મોટું રહસ્ય અને આકર્ષણ 'મૃગીકુંડ' છે. લોકવાયકા મુજબ, ગિરનાર ક્ષેત્રમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા 84 સિદ્ધોનો વાસ છે. શિવરાત્રીની રાત્રે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે. એવી પણ માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવા ઉતરેલા અમુક સાધુઓ અદ્રશ્ય થઈ જાય છે અને બહાર આવતા નથી. મૃગીકુંડમાં સ્નાન મોક્ષદાયી માનવામાં આવે છે.

પૌરાણિક કથા

સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત દંતકથા અનુસાર, જ્યારે ભગવાન શિવ અને પાર્વતી આકાશ માર્ગે જઈ રહ્યા હતા, ત્યારે તેમનું દિવ્ય વસ્ત્ર કે ઘરેણું અહીં ભવનાથ મંદિર પાસે પડ્યું હતું. આથી આ સ્થળને 'વસ્ત્રા પૂતક્ષેત્ર' તરીકે ઓળખવામાં આવે છે, જે તેને અત્યંત પવિત્ર બનાવે છે.

પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં ઠેર-ઠેર અન્નક્ષેત્રો (ભંડારા) ધમધમે છે અને રાત્રિના સમયે લોક ડાયરા, રાસ-ગરબા અને ભજનની રમઝટ જામે છે.