Bhavnath Mahashivratri No Melo 2026: જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ત્યાર બાદ જિલ્લા કલેકટરે મહાશિવરાત્રીના મેળા સંદર્ભે માધ્યમ કર્મીઓને વિગતો આપતા જણાવ્યું હતું કે,રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાને વધુ દિવ્ય અને ભવ્ય બનાવવા અને નવી ઊંચાઈ પર લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. આ સાથે જ ભાવિકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે.
મેળાનો વિસ્તાર આ વર્ષે વિસ્તારમાં આવ્યો
તેમણે જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળાનો વિસ્તાર પણ આ વર્ષે વિસ્તારમાં આવ્યો છે, ભવનાથ સુધી સીમિત રહેલા આ મેળાને ભરડાવાવ અને ગિરનાર દરવાજા સુધી વિસ્તારવામાં આવ્યો છે, અહીં વિશેષ સુશોભનો, લાઇટિંગ, સેલ્ફી પોઇન્ટ વગેરે આકર્ષણો ઊભા કરવામાં આવશે, સાથે જ એક ભક્તિમય માહોલ બને તે તેવી વ્યવસ્થા રહેશે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને સાધુ-સંતોના દર્શનનો લાભ મળી રહે તે માટે જે રવેડીનો રુટ 1.5 કિલોમીટરનો હતો તેને વધારીને 2 કિલોમીટરનો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મહાઆરતી અને ધર્મ સભાનું પણ આયોજન
જિલ્લા કલેકટરે મહાશિવરાત્રીના મેળામાં ઉમેરાઈ રહેલા નવા આયામો સંદર્ભે જણાવ્યું કે, આ વર્ષે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સંતોના આગમનના વધામણા - સ્વાગત કરવા માટે તા.૧૧મી ફેબ્રુઆરીએ સાંજે સંતોની ભવ્ય નગર પ્રવેશ યાત્રા યોજાશે. ત્યારબાદ મહાઆરતી અને ધર્મ સભાનું પણ આયોજન કરવામાં આવશે. જૂનાગઢમાં 11મી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહાશિવરાત્રીના મેળાના ભવ્ય આયોજન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મેળા દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે
મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, આ વર્ષે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના પાર્કિંગના ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે, અહીં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવશે, જ્યાં 5 થી 6 હજાર લોકો એક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી શકશે. જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે ૨૫ જેટલા અલગ અલગ પાર્કિંગ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં અંદાજે 18 હજાર વાહનો પાર્ક કરી શકાશે. ઉપરાંત સિનિયર સિટીઝન કે અશક્ત લોકો માટે ઈ - વ્હીકલની પણ વ્યવસ્થા રાખવામાં આવશે.
આ ઉપરાંત મહાશિવરાત્રીનો મેળો સ્વચ્છ મેળો બની રહે તે માટે પણ સફાઈ માટે ત્રણ ગણી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત સુરક્ષા માટે પોલીસ સ્ટાફમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આશરે 3 હજાર જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઉતારા મંડળ સાથે પણ વહીવટી તંત્ર દ્વારા જરૂરી સંકલન કરીને દૂધ, શાકભાજી અને ગેસની બોટલો જેવી જરૂરિયાતો સમયસર પહોંચાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભાવિકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે સૂચના અપાઇ
મહાશિવરાત્રીના મેળાના આયોજનમાં રોકાયેલા અધિકારીઓને એ પણ સૂચના આપી હતી કે, મહાશિવરાત્રીના મેળાનું જે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ભાવિકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે સ્થળ પર જઈ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. જિલ્લા કલેકટરે જવાબદારીપૂર્વક અને ગંભીરતાથી કામ કરવા ઉપર ભાર આપ્યો હતો.
સિક્યુરિટી, સફાઈ સહિતની વ્યવસ્થાઓની કામગીરીની સમીક્ષા
જિલ્લા કલેકટરે પાર્કિંગ સાથે જ પાર્કિંગમાં પાણી, ટોયલેટ, સીસીટીવી, સિક્યુરિટી, સફાઈ સહિતની વ્યવસ્થાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. ટ્રાફિક નિયમન સહિતની બાબતોને ધ્યાને રાખીને ક્રેઈનની વ્યવસ્થા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોની જરૂરી ખ્યાલ મળી રહે તે માટે જૂનાગઢના પ્રવેશદારો પર થી જ મેળા અંગેના સાઈન બોર્ડ મુકવા માટે પણ સૂચના આપી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર પીવાના પાણી, આરોગ્ય, પરિવહન સેવા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફાઈ, પુરવઠો, લાઇટિંગ સુશોભન સહિતની વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર માર્ગદર્શન કરવાની સાથે જરૂરી નિર્દોષો આપ્યા હતા. આ બેઠકમાં કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
