Bhavnath Mahashivratri Fair 2026: ભવનાથ મહાશિવરાત્રીના મેળાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ જળવાઈ રહે તે રીતે અને આ મહામેળાની શાનમાં વધારો કરવા પ્રથમ વાર ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે, આ ડમરૂ યાત્રામાં દૂરસુદૂરથી પધારેલા સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોના આગમનના વધામણા અને સ્વાગત કરવા માટે જૂનાગઢના સર્વ સમાજના લોકો જોડાશે, સાથે જ સર્વ સમાજની દીકરીઓ માથે કળશ લઇ સાધુ-સંતોનું વિશેષ સ્વાગત કરશે.
સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ
આ ડમરૂ યાત્રામાં સર્વ સમાજના લોકો સહભાગી બને તે માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મેયર ધર્મેશ પશિયા, ધારાસભ્ય સંજય કોરડીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટરએ રાજ્ય સરકારના પ્રયાસોથી વધુ ભવ્યતા અને દિવ્યતાને આંબવા જઈ રહેલો મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢવાસીઓ માટે આધ્યાત્મિક ચેતનાના પ્રતીક સમાન શ્રદ્ધામય પર્વ સમાન ગણાવ્યો હતો. ઘર આંગણે આ અનેરો મહાશિવરાત્રી મેળો હોય ત્યારે લોકો ઉત્સાહભેર સહભાગી બને તે જરૂરી છે.
સવિશેષ સુશોભન ડેકોરેશન કરવામાં આવશે
જિલ્લા કલેક્ટરએ કહ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને જરૂરી સેવા સુવિધાઓ મળી રહે તે માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે, આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્ય બનવા જઈ રહ્યો છે તે પ્રમાણે મહાશિવરાત્રીના મેળાના રૂટ ઉપર સવિશેષ સુશોભન ડેકોરેશન કરવામાં આવશે, જે પણ ભાવિકો માટે યાદગાર બની રહેશે.
સાધુ સંતોના સ્વાગત માટે ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે
ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, જે રીતે અન્ય ધાર્મિક આધ્યાત્મિક મેળાઓમાં સાધુ સંતોની નગર પ્રવેશની જે યાત્રા યોજાય છે તેવી જ રીતે જૂનાગઢમાં સાધુ સંતોના સ્વાગત માટે ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે, ત્યારે જૂનાગઢના આંગણે આ મહામેળામાં સર્વ સમાજના લોકો સાધુ સંતોના સન્માન માટે જોડાય ત્યારે મહાશિવરાત્રીના મેળામાં નવા રંગો ઉમેરાશે. તેમણે સર્વ સમાજના આગેવાનોને મહાશિવરાત્રી મેળામાં યોજાનાર ડમરૂ યાત્રામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો, સાથે જ વ્યવસ્થાઓમાં જરૂરી સહયોગ કરવા પણ અપીલ કરી હતી.
ઉપરાંત તેમણે મહાશિવરાત્રીનો મેળો અને પ્રથમવાર યોજાવા જઈ રહેલી ડમરૂ યાત્રા વધુ ભવ્ય બને તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. મહાશિવરાત્રીના મેળામાં જે વિસ્તાર વધારવામાં આવ્યો છે અને વાહનોના ટ્રાફિક નિયમન માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેને પણ સામાજિક આગેવાનોએ આવકારી હતી, સાથે જ ભવિષ્યને ધ્યાનમાં રાખી આ વ્યવસ્થાઓ કરવી જરૂરી બને છે.
ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના પ્રથમ દિવસે 11મી ફેબ્રુઆરીએ સાંજના 7 કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શ્રી ભવનાથ મંદિર સુધીની ડમરૂ યાત્રા યોજાશે, ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે મહાઆરતી અને ત્યાર પછી ધર્મસભા યોજાશે.આ બેઠકમાં કે.વી. બાટીએ ડમરૂ યાત્રાની રૂપરેખા આપી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, મનપાના શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી અધિકારી અને જુદા જુદા સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
