Venezuela's Acting President Delcy Rodriguez: ભારતના અધિકૃત પ્રવાસે આવેલા વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્જ આજે જામનગર આવી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યાપારી અને રાજદ્વારી સંબંધો માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણમાં સહભાગી થયા
જામનગર આગમન સાથે જ રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્જ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં સહભાગી બની એક અત્યંત મહત્વનો સંદેશ આપ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ડેલ્સી રોડ્રિગ્જે જામનગર RTO કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ પ્રત્યેની પોતાની ઊંડી સંવેદનશીલતા દર્શાવતા તેમણે વૃક્ષ વાવીને પૃથ્વીને વધુ હરિયાળી બનાવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે વિશ્વભરના લોકોને આહ્વાન કર્યું હતું.
રિલાયન્સ રિફાઇનરી અને વનતારાની લેશે મુલાકાત
જામનગર પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્જ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી એવી રિલાયન્સ રિફાઇનરીની વિશેષ મુલાકાત લેશે. આ ઉપરાંત, તેઓ રિલાયન્સ દ્વારા સંચાલિત અને તાજેતરમાં જ શરૂ થયેલા 'વનતારા' (Vantara) એનિમલ રિહેબીલીટેશન સેન્ટરની પણ મુલાકાત લેવાના છે, જે વૈશ્વિક સ્તરે વન્યજીવ સંરક્ષણ અને બચાવ કાર્ય માટે જાણીતું બન્યું છે.
ભારત-વેનેઝુએલા સંબંધો માટે મહત્વની મુલાકાત
રાજદ્વારી દ્રષ્ટિએ ડેલ્સી રોડ્રીગ્ઝની આ મુલાકાત અત્યંત અગત્યની માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલા ભારત માટે ક્રુડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો સપ્લાયર દેશ છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના ઊર્જા સંબંધ વધુ ગાઢ અને મજબૂત બનશે તેમજ ભવિષ્યમાં વેપાર-વાણિજ્યના નવા દ્વાર ખુલવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
