Jamnagar LPG Tanker Fire: ગત શુક્રવારની રાત જામનગર-રાજકોટ હાઇવે પર પસાર થતા વાહનચાલકો અને આસપાસના વિસ્તારના લોકો માટે ભારે દહેશતવાળી રહી હતી. હાઈવે પર ધ્રોલ નજીક આવેલા લૈયારા ગામ પાસે એક LPG ગેસ ભરેલ ટેન્કરની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જામનગર-રાજકોટ હાઇવે પર ઘટી ઘટના
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગત શુક્રવારે રાત્રે જામનગરથી રાજકોટ તરફ જઈ રહેલા એક LPG ગેસ ટેન્કર (વાહન નંબર: NL 01 AF 3195) ની કેબિનમાં અચાનક આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલનશીલ ગેસ ભરેલો હોવાથી હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં મોટો વિસ્ફોટ થવાની આશંકાથી ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ડ્રાઈવરનો બચાવ, મોટી જાનહાનિ ટળી
જોકે, આગ લાગતાની સાથે જ ટેન્કરચાલકે સમયસૂચકતા વાપરીને વાહન રોકી દીધું અને નીચે કૂદકો મારી દીધો હતો, અને તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે આગ માત્ર ટેન્કરની કેબિન પૂરતી જ મર્યાદિત રહી અને ગેસના મુખ્ય ટેન્કર સુધી પહોંચી ન હતી. જેના કારણે એક મોટી જાનહાનિ અને વિસ્ફોટની ઘટના ટળી ગઈ હતી.
આ પણ વાંચો

પોલીસ-ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી
આ ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પોલીસ સ્ટેશનના PI એચ.વી. રાઠોડ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તરત જ આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લીધો અને હાઇવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકાવી દીધો હતો. ત્યારબાદ, ધ્રોલ નગરપાલિકા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ માંડ હટ્યો
જોકે, હાઈવે બંધ કરવામાં આવતા રસ્તાની બંને બાજુએ 5-5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવતા ક્રેનની મદદથી ટેન્કરને હટાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
