Loading...

Jamnagar: રાજકોટ હાઈવે પર પુરપાટ કાર ધડાકાભેર આગળ જતા ટેન્કરમાં ઘૂસી ગઈ, ધ્રોલના વેપારીનું કમકમાટીભર્યું મોત

કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ટેન્કર રોડની સાઈડમાં ઉતરી ગયું. જ્યારે કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 16 Jan 2026 10:51 PM (IST)Updated: Fri 16 Jan 2026 10:51 PM (IST)
jamnagar-news-kia-car-hits-truck-behind-traders-killed-675296
HIGHLIGHTS
  • રાજકોટથી કામ પતાવીને આવી રહેલા યુવકને કાળનો ભેટો થયો

Jamnagar: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતો અને શાકભાજીનો વેપાર કરતો અરબાઝ તાયાણી (26) રાજકોટથી કામ પતાવીને પોતાની કારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.

અરબાઝની કાર જાયવા ગામના પાટિયા નજીક પહોંચી ત્યારે આગળ જઈ રહેલા ટેન્કરમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારની ટક્કર બાદ ટેન્કર રોડ પરથી નીચે ઉતરી ગયું હતુ. જ્યારે ટક્કર બાદ કારનું પડીકું વળી ગયું હતુ.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે કાર ચાલક અરબાઝને બહાર કાઢીને સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ અરબાઝે દમ તોડ્યો હતો.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ધ્રોલ પોલીસની ટીમ ઘટના સ્થળ અને સરકારી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં મૃતદેહનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.