Loading...

Jamnagar News: વીજવાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં 10 વર્ષના બાળકનું મોત, પરિવાર શોકમગ્ન

ઉડતો પતંગ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં ફસાઈ ગયો હતો, જેથી તેને એકાએક તેમાંથી વિજ કરંટ લાગી ગયો હતો

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 12 Jan 2026 08:15 PM (IST)Updated: Mon 12 Jan 2026 08:15 PM (IST)
10-year-old-boy-dies-while-trying-to-remove-kite-stuck-in-power-line-family-in-mourning-673073

Jamnagar News:જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના દસ વર્ષના માસુમ બાળક માટે પતંગ જીવલેણ સાબિત થયો છે. ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ વિજ તારમાં ફસાઈ જતાં તેમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું છે. જેથી શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે રહીને મજૂરી કામ કરતા કમજીભાઈ અદુભાઈ બારીયા નામના 40 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન નો 10 વર્ષનો પુત્ર રોહિત બારીયા કે જે ગત 1.1.2026 ના સવારના 10.00 વાગ્યાના અરસામાં પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યો, જે સ્થળે જમીન ભીની હતી. અને તેના પર ખુલ્લા પગે પતંગ ઉડાવતો હતો.

દરમિયાન તેનો ઉડતો પતંગ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં ફસાઈ ગયો હતો, જેથી તેને એકાએક તેમાંથી વિજ કરંટ લાગી ગયો હતો, અને વીજ શોક લાગવાથી રોહિત બેભાન બન્યો હતો. જેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન પાંચમી તારીખે તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેને લઈને શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.
આ બનાવ અંગે મૃતક બાળક રોહિતના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એમ. થાનકી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.