Loading...

જામનગરમાં પ્રેમલગ્નનો લોહીયાળ અંતઃ પંચેશ્વર ટાવર પાસે બહેનની નજર સામે જ સાળાએ છરીના આડેધડ ઘા ઝીંકી બનેવીને પતાવી દીધો

પતિ પર હુમલો થતો જોઈ પત્નીએ ચીસાચીસ કરીને બચાવવા માટે દોટ મૂકી હતી. રક્તરંજિત પતિએ પત્નીના ખોળામાં દમ તોડ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 23 Jan 2026 03:39 PM (IST)Updated: Fri 23 Jan 2026 03:39 PM (IST)
jamnagar-news-brother-in-law-killed-sister-in-law-for-love-marriage-678569
HIGHLIGHTS
  • બનેવી કંઈ સમજે તે પહેલા જ મિત્રો સાથે આવેલ સાળો છરી લઈને તૂટી પડ્યો
  • સાળાના હુમલામાં બનેવી લોહીના ખાબોચિયામાં ત્યાં જ ફસડાઈ ગયો

Jamnagar: જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસેના વંડા ફળી વિસ્તારમાં એક યુવકની સરેઆમ ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના બનાવે ચકચાર મચાવી મૂકી છે. આ હત્યા પાછળ પ્રેમલગ્ન હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવકને બીજા કોઈએ નહીં પરંતુ તેના સાળા સહિતના સાગરિતોએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગર શહેરના વંડા ફળી વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાં રહેતો નિલય કુંડલિયા આજે સવારે પોતાના ઘરે હતો. આ સમયે સવારે સાડા 10 વાગ્યાની આસપાસ નિલયનો સાળો પોતાના બે મિત્રો સાથે ધસી આવ્યો હતો. નિલય કંઈ સમજે તે પહેલા જ ત્રણેય હુમલાખોરો પોતાની પાસે રહેલ ધારદાર છરી લઈને તૂટી પડ્યા હતા.

આ હુમલામાં નિલય ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો. આ સમયે ઘરમાં રહેલી તેની પત્ની પણ બૂમાબૂમ કરતી પતિને બચાવવા માટે બહાર દોડી આવી હતી. જેણે પતિને ખોળામાં લેતા તે પણ લોહીથી ખરડાઈ ગઈ હતી. આ દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી.

108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને લોહીથી લથપથ હાલતમાં સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેમણે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કરવા સહિત આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક નિલયે આજથી 8 મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા. જો કે પ્રેમિકાના પરિવારને તેમના લગ્ન મંજૂર નહતા. આ બાબતનો ખાર રાખીને નિલયને રહેંસી નાંખવામાં આવ્યો હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવા સાથે પરિવારજનોના નિવેદનો નોંધવા સહિત આગળની દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.