Loading...

Jamnagar: હાર્દિક પંડ્યા રવાના થયો તે સાથે જ જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

એરપોર્ટ પર બિનજરૂરી અવરજવર પર રોક લગાવી દેવાઈ. મુસાફરો તેમજ તેમના લગેજનું ઝીણવટપૂર્વક ચેકિંગ શરૂ. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો સ્ટેન્ડ બાય રખાયો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 14 Jan 2026 03:46 PM (IST)Updated: Wed 14 Jan 2026 03:46 PM (IST)
jamnagar-news-bomb-threat-e-mail-to-jamnagar-airport-seach-operation-begin-674024
HIGHLIGHTS
  • બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા એરપોર્ટમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું

Jamnagar: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત દેશભરમાં કોર્ટ તેમજ જાણીતી સ્કૂલો અને કચેરીઓને બોમ્બથી ઉડાડી મૂકવાની ધમકીઓ મળતા સરકારી એજન્સીઓ ધંધે લાગી જાય છે અને કલાકો સુધી ચેકિંગના અંતે કશું જ ના મળતા હાશકારો થાય છે, ત્યારે હવે આવો જ ધમકીભર્યો ઈ-મેઈલ જામનગર એરપોર્ટને મળ્યો છે. ખાસ વાત એ છે કે, ટીમ ઈન્ડિયાના ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટ પરથી રવાના થયો તેની થોડી મિનિટો બાદ ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.

હકીકતમાં જામનગર એરપોર્ટ ડિફેન્સ એરિયા અંતર્ગત આવતું હોવાથી તે ગુજરાતનું ખૂબ જ સંવેદનશીલ એરપોર્ટ ગણાય છે.આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વનતારાના કારણે ક્રિકેટ અને મનોરંજન જગતની મોટી-મોટી હસ્તીઓની જામનગર એરપોર્ટ પર અવરજવર રહેતી હોય છે. એવામાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટ પરથી રવાના થયો, તેની થોડીવાર બાદ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈ-મેઈલ મારફતે જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ મામલે જામનગર એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, DySp જયવીરસિંહ ઝાલા, LCB, SOG સહિત પોલીસના ધાડેધાડા એરપોર્ટ પર ખડકી દેવામાં આવ્યા હતા. જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ એરપોર્ટનો ખૂણે-ખૂણા, રન-વે, પાર્કિંગ અને ટર્મિનલ બિલ્ડિંગ ફેંદી વળી હતી.

આટલું જ નહીં, સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટ પર બિનજરૂરી અવરજવર રોકવા માટે અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે. તેમજ તમામ મુસાફરો અને તેમના લગેજનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ પણ અનિચ્છનિય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ તેમજ એમ્બ્યુલન્સના કાફલાને પણ સ્ટેન્ડ બાય રખાયો છે. આર્મી તેમજ એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.