Poonamben Maadam Mother Funeral: જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના માતા દિનાબેન માડમનું અવસાન થયું છે. આ સમાચારના પગલે સમગ્ર હાલાર પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ દુઃખદ પ્રસંગે સાંસદ પૂનમબેન પોતાની માતાની અંતિમયાત્રામાં જોડાયા હતા. વધુમાં, જનેતાની અર્થીને કાંધ આપી સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
માતાની અર્થીને કાંધ આપી દીકરીની ફરજ નિભાવી
સામાન્ય રીતે સામાજિક પરંપરાઓ અને માન્યતાઓ મુજબ પુરુષો જ મૃતદેહને કાંધ આપતા હોય છે. પરંતુ, દિનાબેનની અંતિમયાત્રા દરમિયાન એક અત્યંત હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે રૂઢિચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકીને અશ્રુભીની આંખો સાથે પોતાની માતાની નનામીને કાંધ આપી હતી અને સાચા અર્થમાં પુત્રીધર્મ નિભાવ્યો હતો.

રાજકીય અને સામાજિક આગેવાનો ઉમટી પડ્યા
દિનાબેનના નિધનના સમાચાર મળતાં જ શહેરભરમાંથી સ્નેહીઓ, સગા-સંબંધીઓ તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અત્યંત ગમગીન વાતાવરણમાં યોજાયેલી આ અંતિમ યાત્રામાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના પરિવારજનો જોડાયા હતા.
આ પણ વાંચો

દિનાબેન માડમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ
દિનાબેન માડમના અંતિમ દર્શન કરવા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: જામનગરમાં સ્વચ્છતા અભિયાનઃ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ રણમલ તળાવ ખાતે શ્રમદાન કર્યું
આ ઉપરાંત પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પક્ષના કાર્યકરો અને સ્નેહીજનોએ ઉપસ્થિત રહી માડમ પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
