Godhra News: ગોધરા મજૂર અદાલત દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો છે. ગેરકાયદેસર કંપની બંધ કરવા મામલે કામદારોના પક્ષમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે મામલે અદાલતે કામદારોને કુલ રુ 4.62 કરોડ બાકીની રકમ ચૂકવવા મામલે કંપનીને આદેશ કર્યો છે. આ કેસ અખિલ ગુજરાત જનરલ મજદૂર સંઘે કામદારોના હિતમાં ગોધરા મજૂર અદાલતમાં દાખલ કર્યો હતો.
હાલોલની કંપનીએ ક્લોઝર જાહેર કર્યુ
અરજદારોએ કરેલી અરજી મુજબ, તેઓ હાલોલમાં આવેલી ગુજરાત ફિલામેન્ટ લિં.માં 100 જેટલા કામદારો કામ કરતા હતા. ત્યારે કંપનીએ ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કલોઝર જાહેર કરી દેતા ખળભળાટ મચી ગયો હતો.
મજૂરોને પગારની ચૂકવણી ન કરી
મજૂરોને પગાર ચૂકવ્યા વિના જ કંપની બંધ કરી દેવાઈ હતી. અદાલતમાં અરજદારોએ દલીલ મૂકી હતી કે, કંપનીમાં 100થી વધારે કામદારો કામ કરી રહ્યા હોવાથી નિયમ અનુસાર ક્લોઝર માટે પૂર્વ મંજૂરી લેવા અનિવાર્ય હતી. જે લેવામાં આવી નહોતી. લાંબા સમયથી બાકી રહેલા પગારની ચૂકવણી અંગે અરજી કરવામાં આવી હતી. જેથી મજૂરોને કંપની ચાલુ હોય ત્યારે પગાર મેળવવાનો કાયદેસરનો હક બને છે.
કંપની પાસે પૂરતુ ભંડોળ ન હોવાનો દાવો
બીજી તરફ, કંપનીના પ્રતિવાદી પક્ષે દલીલ કરી હતી કે, અરજી મોડેથી દાખલ કરવામાં આવી હોવાથી તે સમયસીમા વટાવેલી ગણાય છે. કોઈ સત્તાધિકારીએ કંપનીનું ક્લોઝર ગેરકાયદેસર હોવાનું હજુ સુધી ઠરાવ્યું નથી. વળી, કંપની હાલ લિક્વિડેશનની પ્રક્રિયામાં છે, તેથી પૂરતું ભંડોળ ઉપલબ્ધ નથી અને મોટાભાગની મિલકતો વેચાઈ ચૂકી છે. આથી કામદારોના દાવા ચૂકવવા માટે પૂરતા પૈસા સંસ્થા પાસે નથી.
મજૂર અદાલતે કામદારોના હિતમાં આપ્યો ચુકાદો
બંને પક્ષોની દલીલો, મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓના વિગતવાર વિશ્લેષણ બાદ અદાલતે નિર્ણય આપ્યો હતો કે, કંપનીએ કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ ક્લોઝર કર્યું હતું. તેથી કામદારોને બાકી પગાર મેળવવાનો કાયદેસર હક છે. અદાલતે આ કેસને "પ્રી-એક્ઝિસ્ટિંગ રાઈટ" આધારિત માનીને કલમ 33(C)(2) હેઠળ અરજીને માન્ય કરી.
અંતિમ હુકમમાં અદાલતે કંપનીને કામદારોને કુલ રૂ. 4,62,07,396ની બાકી રકમ 30 દિવસની અંદર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ અરજી ખર્ચ તરીકે રૂ. 5,000 આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચાર કર્મચારીઓના અવસાનને થવાને લીધે તેમની અરજીને રદ જાહેર કરીને તે ભાગ નામંજૂર કરાવામાં આવ્યો છે.
