Godhra News: ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન પર મોટી માત્રામાં શંકાસ્પદ અમેરિકન ડોલર સાથે એક મહિલા અને પુરુષની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બંને પાસેથી 19.800 યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. આ ચલણની ભારતીય રુપિયામાં અંદાજિત કિંમત રુ.18.61 લાખ જેટલી થાય છે., નાણાં અંગે કોઈ દસ્તાવેજ પ્રાપ્ત ન થતાં ગોધરા પોલીસે ચલણ અને બંનેના પાસપોર્ટ જપ્ત કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા સ્ટેશને પોલીસને હાથે ઝડપાયા
ગોધરા પોલીસને સચોટ બાતમી મળી હતી કે, વડોદરાથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન દ્વારા એક મહિલા અને પુરુષ વિદેશી ચલણ સાથે ગોધરા આવી રહ્યા છે. આ બાતમી મળતા પોલીસે ગોધરા રેલ્વે સ્ટેશનથી અગાઉથી જ વોચ ગોઠવી નાખી હતી. જ્યારે બંને ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે પોલીસે તેમને અગાઉથી જ કોર્ડન કરી તેમની તપાસ કરી હતી.
પકડાયેલા આરોપીઓ
પોલીસ તપાસમાં બંને ઝડપાયેલા લોકો ગોધરાના સ્થાનિક રહીશ હોવાનું સામે આવ્યું છે. અબ્દુલ કાદર દડી અને ઝૂલેખા બીબી ઇસહાક ભટુકની ધરપકડ કરી છે.
યોગ્ય દસ્તાવેજો ન મળતા કાર્યવાહી
પોલીસ દ્વારા જ્યારે આટલી મોટી રકમના યુ.એસ. ડોલર અંગે કાયદેસરના પુરાવા કે સોર્સની માંગણી કરવામાં આવી, ત્યારે બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ આધારભૂત દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. દસ્તાવેજોના અભાવે પોલીસે આ મની લોન્ડરિંગ અથવા ગેરકાયદેસર હેરાફેરીની શંકાના આધારે વિદેશી નાણાં અને પાસપોર્ટ કબ્જે લીધા છે અને આ નેટવર્ક ક્યાં જોડાયેલું છે તેની સઘન તપાસ શરુ કરી છે.
