National Scotch Award: " પોષિત પરિવાર – સ્વસ્થ સમાજ – વિકસિત રાષ્ટ્ર"ના નિર્માણ માટે કટિબદ્ધ સાબરકાંઠા જિલ્લા તંત્રએ રાષ્ટ્રીય સ્તરે ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની દેખરેખ હેઠળ કાર્યરત ‘લાલન-પાલન’ અને ‘જુવેનાઈલ ડાયાબિટીસ (ટાઈપ-1)’ પ્રોજેક્ટની સફળતાની નોંધ લેતા આ બંને પહેલને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
2285 સગર્ભા માતાઓને લક્ષિત કરાઈ
જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં કુપોષણ સામે રક્ષણ માટે લાલન-પાલન પ્રોજેક્ટ નવેમ્બર-2024 થી શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની 42 કિલોથી ઓછું વજન ધરાવતી 2285 સગર્ભા માતાઓને લક્ષિત કરવામાં આવી છે. ઓમ એક્ઝિમ કોર્પોરેશનના સહયોગથી સગર્ભા માતાઓને દર 15 દિવસે પ્રોટીન પાવડર, આર્યન સીરપ, ખજૂર અને ચણાની કીટ આપવામાં આવે છે.
સગર્ભા માતાઓને માર્ગદર્શન અપાયું
એપ્રિલ 2025 થી અત્યાર સુધીમાં કુલ 23343 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડાયટેશન દ્વારા વન ટુ વન સગર્ભા માતાઓને કાઉન્સિલિંગ કરી આહાર અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે નિયત કરેલા પોષક આહાર પણ માતાઓને આપવામાં આવે છે. જેના કારણે 80 % જેટલી માતાઓ અને નવજાત શિશુઓના વજનમાં વધારો નોંધાયો છે. પરિણામે માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો થયો છે.
જુવેનાઈલ ડાયાબિટીસ (ટાઈપ-1) પ્રોજેક્ટ
ફેબ્રુઆરી 2024થી શરૂ થયેલા આ પ્રોજેક્ટનો હેતુ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિષ્ણાત સારવાર અને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. જિલ્લા પંચાયતના સ્વ-ભંડોળમાંથી કુલ રૂ. 20 લાખ ફાળવવામાં આવ્યા છે, જેથી ઇન્સ્યુલિન અને સારવારનો ખર્ચ ઘટાડી શકાય. હાલમાં જિલ્લાના 128 બાળકો આ પ્રોજેક્ટ હેઠળ સવિશેષ સારવાર મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
દરેક બાળકને ગ્લુકોમીટર અને સુગર રેકોર્ડ રાખવા માટે 'ફૂડ ડાયરી' આપવામાં આવી છે. હિંમતનગરમાં સૌથી વધુ 39 અને ઇડરમાં 30 બાળકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે.આ સ્કોચ એવોર્ડની જાહેરાત થતાં મુખ્યમંત્રીની સાબરકાંઠા જિલ્લાની મુલાકાત વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર સભામાં જિલ્લા પંચાયતની આ વિશેષ કામગીરી અને એવોર્ડ માટે પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા.આ એવોર્ડ સેરેમની 28 માર્ચે 2026 દિલ્હી ખાતે યોજાશે
સ્કોચ એવોર્ડ શું છે?
SKOCH એવોર્ડની શરૂઆત 2003થી કરવામાં આવી છે. ભારતના સૌથી પ્રતિષ્ઠિત સ્વતંત્ર નાગરિક પુરસ્કાર પૈકીનો એક માનવામાં આવે છે. આ એવોર્ડ સરકાર, ખાનગી સંસ્થા અને વ્યક્તિઓએ સમાજમાં કરેલા ઉત્તમ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની મુખ્ય વિશેષતા સ્વતંત્ર એવોર્ડ – કોઈ સરકાર અથવા કંપનીનો સીધો પ્રભાવ નથી.
રીસર્ચ આધારિત પસંદગી – nomination કરતા “discovery approach” અપનાવવામાં આવે છે. નિષ્ણાતોની ટીમ દ્વારા પસંદગી કરવામાં આવે છે આ એવોર્ડનો ઉદ્દેશ્ય ગવર્નન્સ, ટેક્નોલોજી અને સામાજિક વિકાસ, નાણાકીય સમાવેશ, સમાજમાં નવીનતા, પારદર્શિતા અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
