ગુજરાતમાં ગરમીનો અંત: મેઘરાજાની તોફાની એન્ટ્રી, કયા કયા જિલ્લાઓમાં નોંધાયો વરસાદ જાણો

આજે 30 મે એ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં સહિત બીજા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 30 May 2026 01:51 PM (IST)Updated: Sat, 30 May 2026 01:51 PM (IST)
ahmedabad-news-gujarat-rain-update-weather-forecast-districts

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી હવે સાચી ઠરી છે. ત્યારે આજે 30 મે એ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં સહિત બીજા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જેને પગલે રાજ્યમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

અરવલ્લીમાં મેઘરાજાની પધરામણી

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી જિલ્લાવાસીઓને લાંબા સમય બાદ બફારા અને તેજ ગરમીમાંથી રાહત મળી છે. વહેલી સવારથી જ મુખ્ય મથક મોડાસા, માલપુર, યાત્રાધામ શામળાજી અને ભીલોડામાં પણ વરસાદ પડ્યો હતો. તેની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો વાશેરાકંપા, ઈસરોલ, જીવણપુર અને જીતપુરમાં પણ વરસાદ થયો છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો છે.

પંચમહાલ અને મહીસાગર: વરસાદનું આગમન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્યમથક લુણાવાડા સહિત કડાણા, સંતરામપુર અને ખાનપુરનુ આકાશ વાદળોતથી ઘેરાઈ ગયું હતું.તેમજ ધીમે ધીમે કમોસમી વરસાદ શરુ થયો હતો. ઉપરાંત પંચમહાલ જિલ્લાના મોરવા હડફ અને મોરા પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.

દાહોદ: વાદળછાયું વાતાવરણ છવાયું

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સવારથી જ દાહોદમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું.દાહોદનાં ઝાલોદ, દાહોદ, ફતેપુરા,લીમડી અને સંજેલી જેવા વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. જ્યારે સંજેલી અને દાહોદમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોએ ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો હતો.

સાબરકાંઠા: વહેલી સવારથી જ વરસાદ પડ્યો

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ ગઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના પીપળીકંપા, કાકોલકંપા, બળવંતપુરાકંપા, મહેતાપુરા, હડિયોલ અને લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. વરસાદી પાણી માર્ગો પર ફરી વળ્યા હતા. જ્યારે લોકોએ ગરમીમાંથી આંશિક હદે રાહત મેળવી હતી.

આગામી 2 દિવસોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી

  • ઉત્તર ગુજરાતમાં 1 જૂને, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, દાહોદ, પંચમહાલ, અને મહીસાગર જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શકયતા છે.જ્યારે ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 Kmph ની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
  • પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં આગામી 2 જૂને મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, ભરુચ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.