Gujarat Industrial Policy 2026:ગુજરાતને 2047 સુધી USD 3.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટેની યાત્રાને ઝડપી બનાવવા માટેના એક નિર્ણાયક પગલા તરીકે આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ઔદ્યોગિક નીતિ 2026ની મહત્વપૂર્ણ જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતેથી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનાર સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી.
તેમણે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાઓને પગલે ગુજરાત વિશ્વ ભરના રોકાણકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ અને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે.ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને આ નીતિનું સૌથી મહત્વપૂર્ણ પાસા છે.
ચાર મજબૂત આધારસ્તંભો
ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ 2026 જે ચાર મજબૂત આધારસ્તંભો છે તે ઈન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન,ઈનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટની પણ તેમણે ભૂમિકા આપી હતી.
MSME, સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકોને અગ્રિમતા
વિશ્વની ઝડપથી બદલાતી જતી અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી, આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને ગ્લોબલ સપ્લાય ચેઈનની નવી રચના ઉદ્યોગોના સ્વરૂપને બદલી રહી છે ત્યારે ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તેમના અભિપ્રાયો અને માંગણીઓ સંકલિત કરીને તૈયાર કરવામાં આવી છે.આ ઔદ્યોગિક નીતિમાં MSME, સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકો, પ્રથમ પેઢીના ઉદ્યોગકારો અને યુવાશક્તિને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભવિષ્ય માટેનો માર્ગદર્શક દસ્તાવેજ એવી નવી ઔદ્યોગિક નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી યોજના નથી, પરંતુ વર્ષ2047ના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે. આ નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15 થી 45 ટકા સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી નવા રોકાણો આકર્ષાય, રોજગારીનું સર્જન થાય અને રાજ્યના યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક મળે. આ નીતિ દ્વારા સરકાર અને ઉદ્યોગજગત મળીને વિકાસનું એક મજબૂત ઇકોસિસ્ટમ ઉભું કરશે.
અનેક ક્ષેત્રમાં ગુજરાત દેશમાં મોખરે
માત્ર 5 ટકા જમીન અને 6 ટકા વસ્તી ધરાવતું ગુજરાત આજે દેશના ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રેસર છે. દેશના કુલ ઉત્પાદનનો 18 ટકાથી વધુ હિસ્સો, 40 ટકા કાર્ગો હેન્ડલિંગ અને લગભગ 33 ટકા સરેરાશ નિકાસ ગુજરાતમાંથી થાય છે. દેશની સૌથી વધુ MSME એકમો ધરાવતું ગુજરાત આજે રોકાણ, ઉદ્યોગ-સાહસ અને વિકાસનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બની ચૂક્યું છે. આ સફળતા પાછળ ગુજરાતના ઉદ્યોગસાહસિકો અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.
