Gujarat Industrial Policy:વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026;3.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની દિશામાં મક્કમ રીતે અગ્રેસર

આ વૃદ્ધિમાં એન્જિનિયરિંગ ઉત્પાદનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને જ્વેલરી તથા રસાયણો જેવા ક્ષેત્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 17 Jun 2026 11:06 PM (IST)Updated: Wed, 17 Jun 2026 11:06 PM (IST)
viksit-gujarat-industrial-policy-2026-fuelling-the-vision-of-a-35-trillion-dollar-economy

Gujarat Industrial Policy 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ સુધારા, ડિજિટલ ગવર્નન્સ, વેપાર સુગમતા અને વૈશ્વિક આર્થિક એકીકરણ દ્વારા છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ઇકોસિસ્ટમે પરિવર્તનકારી યાત્રા કરી છે. અધિક સચિવ અજય ભાદૂ IAS એ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ અંદાજે 441 બિલિયન ડોલરથી વધીને 863 બિલિયન ડોલર સુધી આશરે બમણી થઈ છે.આ વૃદ્ધિમાં એન્જિનિયરિંગ ઉત્પાદનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને જ્વેલરી તથા રસાયણો જેવા ક્ષેત્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત આ વૃદ્ધિમાં મુખ્ય યોગદાનકર્તા તરીકે ઊભર્યું છે અને લગભગ 110 બિલિયન ડોલરની નિકાસમાં તેનો ફાળો રહ્યો છે.

તેમણે વેપાર સરળતા અને વ્યવસાય સુગમતા વધારવાના હેતુથી હાથ ધરવામાં આવેલી અનેક મહત્વપૂર્ણ પહેલો અંગે પ્રકાશ પાડ્યો હતો જેમાં ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ(TIA) પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ્સ મોનિટરિંગ પોર્ટલ (MIMP)નો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની સક્રિય વેપાર કૂટનીતિના પરિણામે મોરિશિયસ,UAE, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ સાથે મહત્ત્વપૂર્ણ મુક્ત વેપાર કરારો થયા છે, જેના કારણે ભારતીય નિકાસકારો માટે નવી તકો ઊભી થઈ છે. તેમણે એ પણ માહિતી આપી કે સરકારે નાણાકીય વર્ષ 2025-26 થી 2030-31 દરમિયાન રૂપિયા 25,600 કરોડના ખર્ચ સાથે એક્સપોર્ટ પ્રમોશન મિશનની શરૂઆત કરી છે,જેનો ઉદ્દેશ નિકાસ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો, MSMEsને ટેકો આપવાનો અને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે એકીકરણને ગતિ આપવાનો છે.

ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર બી પાટીલ IAS એ જણાવ્યું હતું કે વિશેષ આર્થિક ક્ષેત્રો (SEZs) રોકાણ, રોજગાર, નવીનતા અને નિકાસના મુખ્ય એન્જિન તરીકે ઊભરી આવ્યા છે અને મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના SEZમાંથી થતી નિકાસ 2014-15માં રૂપિયા 1,79,808 કરોડથી વધીને 2025-26માં રૂપિયા 3,00,793 કરોડ થઈ છે, જે લગભગ 67 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ભારતની કુલ SEZ નિકાસમાં ગુજરાતનો ફાળો આશરે 21 ટકા છે. ગુજરાતના SEZમાં રોકાણ ₹1,22,654 કરોડથી વધીને રૂપિયા 2,28,624 કરોડ થયું છે, જ્યારે રોજગારમાં 63,475થી વધીને 2.22 લાખથી વધુ નોકરીઓનો વધારો થયો છે.

ગુજરાત હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું હોવાનું દર્શાવતા તેમણે જણાવ્યું કે CG Semi Technologies, Kaynes Semicon, Tata Semiconductor Manufacturing અને Micron Technology સહિતના ચાર સેમિકન્ડક્ટર SEZને રાજ્યમાં મંજૂરી આપવામાં આવી છે. ઝોનલ ડેવલપમેન્ટ કમિશનરે ગુજરાતના SEZ માટે એક મહત્ત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો, જે અંતર્ગત નિકાસમાં દર વર્ષે 20 ટકા અને રોજગારી ઉભી કરવામાં 10 ટકાનો વધારો હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામ SEZ એકમો સકારાત્મક નેટ ફોરેન એક્સચેન્જ (NFE) સ્થિતિ જાળવી રાખે તે માટે કેન્દ્રિત પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેનાથી સમગ્ર SEZ ઇકોસિસ્ટમની સ્પર્ધાત્મકતા અને ટકાઉપણું વધુ મજબૂત બનશે.