Loading...

Gandhinagar: માણસાની યુવતીએ એસિડ પીતા અન્નનળી-હોજરી દાઝી ગયા, પાટણના તબીબે આપ્યું નવજીવન, આંતરડામાંથી બનાવી નવી અન્નનળી

યુવતી આઠ મહિના અગાઉ એસિડ પી લીધું હતું, જે બાદ અન્નનળી અને હોજરી ગંભીર રીતે દાઝી ગઈ હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 05 Feb 2026 12:17 PM (IST)Updated: Thu 05 Feb 2026 12:18 PM (IST)
mansa-girl-drink-acid-dr-hitesh-panchiwala-creates-new-esophagus-from-intestines-686137
HIGHLIGHTS
  • માણસાની 25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું
  • 25 વર્ષીય યુવતીની અન્નનળી અને હોજરી ગંભીર રીતે દાઝી ગઈ હતી
  • પાટણના ડો. હિતેશ પંચીવાલાએ આંતરડામાંથી બનાવી નવી અન્નનળી

Esophagus made from intestines: ગાંધીનગર જિલ્લાના માણસાની 25 વર્ષીય યુવતીનો એક આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે. આઠેક મહિના અગાઉ આ યુવતીએ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. જે બાદ તેમની અન્નનળી અને હોજરી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જોકે, પાટણના ડોક્ટર હિતેશ પંચીવાલાએ કેવી રીતે યુવતીને સ્વસ્થ કરી નવજીવન આપ્યું, વાંચો અહેવાલમાં...

પરિણીતાએ પીધું એસિડ, અન્નનળી-હોજરી દાઝી ગયા

આ અંગે મળતી વિગત અનુસાર ગાંધીનગર જિલ્લાના માણસાની 25 વર્ષીય પરિણીતાને 2 બાળકો છે. આઠેક મહિના અગાઉ યુવતીએ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. આ બનાવમાં યુવતી બચી ગઈ, પરંતુ તેમની અન્નનળી અને હોજરી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં દર્દી પાણી કે થૂંક પણ ગળી શકવા સક્ષમ નહોતા. 

ડૉ. હિતેશ પંચીવાલાએ કર્યો ચમત્કાર

અનેક હોસ્પિટલમાં સારવાર માટે ગયા બાદ પણ યુવતીને કોઈ સારું પરિણામ ન મળ્યું. અંતે પાટણના ડૉ. હિતેશ પંચીવાલા કોઈ માધ્યમથી સંપર્ક આવ્યા હતા. સૌપ્રથમ ડોક્ટરે યુવતીના પેટમાંથી ખોરાકની નળી મૂકીને બે મહિના સુધી પ્રવાહી ખોરાક આપ્યો. આ રીતે ધીરે ધીરે યુવતીના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો.

મોટા આંતરડામાંથી બનાવી નવી અન્નનળી

ત્યારબાદ, લગભગ 10 કલાક લાંબી અને જટીલ સર્જરી કરીને મોટા આંતરડામાંથી નવી અન્નનળી બનાવવામાં આવી. જે બાદ તેનો ગળામાં સાંધો આપવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાની સારવાર બાદ યુવતી સ્વસ્થ થઈ જાતે ખોરાક લઈ રહી છે. ગતરોજ બુધવારે તેમને રજા પણ આપી દેવામાં આવી છે.

સારવાર માટે ખેડૂત પતિએ જમીન વેચી દીધી

યુવતીના પતિએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી સારવાર ચાલી રહી હતી. અત્યાર સુધીમાં ખૂબ મોટો ખર્ચ પણ થઈ ચૂક્યો છે. હું તો ખેડૂત છું, આટલા બધા પૈસા ક્યાંથી લાવી શકું. આથી મેં એકાદ વિધા જમીન વેચીને મારી પત્નીની સારવાર કરાવી હતી. જ્યારે ડોક્ટરે યોગ્ય સારવાર આપી તેનું જીવન બચાવ્યું છે.

અન્નનળીની સર્જરી પડકારજનક

ડૉ. હિતેશ પંચીવાલાએ જણાવ્યું કે, અન્નનળીની સર્જરી જટીલ હોય છે. જ્યારે કુદરતી અન્નનળીમાં કોઈ સમસ્યા હોય ત્યારે માનવસર્જિત અન્નનળી બનાવવી પડે છે. આ પ્રક્રિયામાં શરીરના નીચેના ભાગમાં આવેલું મોટું આંતરડું કાપીને તેને ઉપરના ભાગમાં લાવી અન્નનળી તરીકે જોડવામાં આવે છે. આ સર્જરીનો સૌથી મહત્વનો અને પડકારજનક ભાગ આંતરડાના બ્લડ સપ્લાયને સુરક્ષિત રાખવાનો છે. જો આ નસ અને લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જળવાઈ રહે, તો જ આંતરડું નવી અન્નનળી તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે.