Loading...

Amreli: સરકારી હોસ્પિટલના તબીબની પહેલ બની વડીલો માટે સંજીવની, દવાનો સમય થતા જ મોબાઈલમાં મળશે મેસેજ

તબીબી ડૉ. સચિન ઉદેશ સાવરકુંડલાના ઘોબા ગામના આયુષ્માન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવે છે. આ મોબાઈલ એપથી સ્વાસ્થ્ય સેવાને આધુનિક ઓપ મળ્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 30 Jan 2026 04:59 PM (IST)Updated: Fri 30 Jan 2026 04:59 PM (IST)
dr-sachin-udesh-ncd-follow-up-mobile-app-sent-patients-medication-and-checkup-time-messages-682548
HIGHLIGHTS
  • NCD ફોલો-અપ મોબાઇલ એપ્લિકેશન બની દર્દીઓ માટે સંજીવની
  • ઘોબા ગામના આયુષ્માન આરોગ્ય મંદિરના ડૉ. સચિને બનાવી એપ
  • મોબાઈલ એપથી દર્દીઓને મેસેજ મળશે, દવા લેવાનો સમય જણાવશે

NCD Follow-up mobile app: અમરેલીના એક તબીબે ટેકનોલોજીને માનવસેવાનું સબળ માધ્યમ બનાવ્યું છે. ઘોબા ગામના આયુષ્માન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા ડૉ. સચિને એક એવી મોબાઈલ એપ બનાવી છે, જેનાથી હવે તમને દવા લેવાનું કે ચેકઅપ કરવાનું ભૂલાશે નહીં. છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ પ્રેરણાદાયી પહેલ વિશે વિગતે જાણીએ...  

અમરેલીના ડોક્ટરની ક્રાંતિકારી તકનીક

ખેતી કામમાં વ્યસ્ત રહેતા ખેડૂતો અને એકલવાયા વડીલો ઘણીવાર બીપી-ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની તપાસ કે દવા લેવાનું ભૂલી જતા હોય છે, જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ડૉ. સચિને એક ખાસ એપ વિકસાવી છે. આ એપ દર્દીઓને સીધું જ વોટ્સએપ પર રિમાઇન્ડર મોકલે છે.

'NCD ફોલો-અપ' મોબાઈલ એપ

સાવરકુંડલાના ઘોબા ગામના આયુષ્માન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા ડૉ. સચિન ઉદેશે 'NCD ફોલો-અપ' એપ દ્વારા સ્વાસ્થ્ય સેવાને આધુનિક ઓપ આપ્યો છે. ગામડાના દર્દીઓના ડેટાને ડિજિટલ કરી, તેમને તપાસના સમયે સીધો જ વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે છે. આ ડિજિટલ એલર્ટને કારણે ગંભીર બીમારીના દર્દીઓની સારવારમાં હવે કોઈ અવરોધ આવતો નથી.

"ખેતીકામ કરતા ઘણા લોકો અને ખાસ કરીને વડીલો સમયસર દવા લેવાનું ભૂલી જતા હોય છે. આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આવા લોકોને એક મેસેજ મળશે. જેથી દર્દીને ખબર પડે છે કે ક્યારે દવા લેવાની છે." -- ડૉ. સચિન ઉદેશ

દવાનો સમય થતા જ મોબાઈલમાં મળશે મેસેજ  

ગામના વરિષ્ઠ નાગરિક જણાવે છે કે, મને ડાયાબિટીસ અને BP ની સમસ્યા હોવાથી હું અહીં નિયમિત ચેકઅપ કરાવવા આવું છું. ડૉક્ટર મને મોબાઈલ દ્વારા મેસેજ મોકલે છે. જેથી મને ચેકઅપ કરાવવાનું યાદ રહે છે. અન્ય એક લાભાર્થીએ જણાવ્યું કે, હું ખેતીકામ કરું છું. જ્યારે પણ મારી દવા પૂરી થાય અથવા દવા લેવાનો સમય થાય ત્યારે મને મેસેજ મળે છે. મેસેજ મળતા હું તરત અહીં દવા લેવા આવી જાવ છું.

આરોગ્ય ટીમ અને પરિવારને પણ મળશે એલર્ટ

ખેતીમાં વ્યસ્ત રહેતા લોકો અને અનેક વડીલો માટે આ મેસેજ સંજીવની સમાન સાબિત થયો છે. ઘરના યુવાનો બહાર હોવાથી વડીલો અવારનવાર તપાસની તારીખ ભૂલી જતા, પરંતુ હવે મોબાઈલ એલર્ટ મળતા જ તેઓ સમયસર હોસ્પિટલ પહોંચી જાય છે. એટલું જ નહીં, જે દર્દીઓ ચાલી શકવા અસમર્થ છે, તેમની વિગતો એપ દ્વારા ટ્રેક કરી આરોગ્ય ટીમ રૂબરૂ તેમના ઘરે જઈને સારવાર પૂરી પાડે છે.

ગ્રામીણ આરોગ્યનું ચિત્ર બદલશે આ પહેલ

ડૉ. સચિનની આ નવતર પહેલ સાબિત કરે છે કે જો વિચાર ઉમદા હોય, તો ટેકનોલોજીના માધ્યમથી ગ્રામીણ આરોગ્યનું ચિત્ર બદલી શકાય છે. આ પ્રયોગ સાચા અર્થમાં 'ડિજિટલ ઇન્ડિયા' અને માનવતાના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.