Loading...

બગદાણાની બબાલ વચ્ચે હીરા સોલંકીની ગાંધીનગરમાં ગર્જના- 'ન્યાય-અન્યાયની લડાઈમાં નવનીત બાધલિયા નિમિત્ત બન્યા'

કોળી સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. જો કોળી સમાજ પર અન્યાય થાય, તો તાજેતરમાં જે રીતે એકતા બતાવી તેવી જ રીતે આખો સમાજ એકજૂટ થાય તેવી આશા રાખું છું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 01 Feb 2026 05:58 PM (IST)Updated: Sun 01 Feb 2026 06:23 PM (IST)
hira-solanki-roars-in-gandhinagar-amid-bagdana-controversy-says-navneet-badhaliya-became-symbol-of-justice-683889
HIGHLIGHTS
  • ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી

Gandhinagar, Bagdana controversy: બગદાણાના કોળી યુવક નવનીત બાધલિયા પર જીવલેણ હુમલાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે ભોગ બનનાર યુવકને ન્યાય અપાવવા માટે કોળી સમાજ એકજૂટ થતાં સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. હાલ તો આ મામલે SIT દ્વારા લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો છે.

એવામાં કોળી સમાજ દ્વારા ભાવનગરમાં મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. બીજી તરફ ગાંધીનગરમાં અખિલ ભારતીય કારોબારીની બેઠક મળી હતી. જેમાં કોળી સમાજના આગેવાન અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલધિયા પર હુમલાનો ઉલ્લેખ કરવા સાથે સમાજને એકજૂટ થવાની હાકલ કરી છે.

ન્યાય-અન્યાયની લડાઈમાં નવનીતભાઈ નિમિત્ત બન્યા
અખિલ ભારતીય કોળી સમાજની કારોબારીમાં સંબોધન કરતાં હીરા સોલંકીએ જણાવ્યું કે, આપણા કોળી સમાજની એકતા શું કહેવાય, તે થોડા સમય પહેલા કોળી સમાજે બતાવ્યું છે. આ બાબતનો શ્રેય જો કોઈને જાય, તો તે સમસ્ય કોળી સમાજના લોકોને જાય છે. જો આવી જ એકતા આપણા સમાજમાં હશે, તો કોળી સમાજ જે લક્ષ્ય લઈને આગળ વધી રહ્યો છે, તેને પ્રાપ્ત કરવા માટે કોઈ રોકી નહીં શકે.

હું હોય કે મોટાભાઈ પરષોત્તમ સોલંકી હંમેશા કહીએ છીએ કે, આજે અમે જે કઈ છીએ, તે એકમાત્ર કોળી સમાજના કારણે જ છીએ. એમાં શંકાને કોઈ સ્થાન નથી.

બગદાણાની બબાલ વિશે હીરા સોલંકીએ જણાવ્યું કે, એ ન્યાય અને અન્યાયની લડાઈ હતી. જેના નિમિત્ત બન્યા બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા. જેના કારણે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ ભેગા થયા અને એકજૂટ થઈને રજૂઆત કરી. આપણે સાચા હતા એટલે તેના પડઘા પણ પડ્યા.

એકવાત સમજી લેજો, આપણા કોળી સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું, પરંતુ જો ક્યારેય કોળી સમાજ પર કોઈ અન્યાય થાય, તો હમણાં જે પ્રકારે એકતા બતાવી તેવી જ એકતા બતાવો તેવી મારી અપેક્ષા છે.

આ માત્ર હીરા સોલંકી કે પરષોત્તમ સોલંકીની લડાઈ નહતી. આ એક સમાજને ન્યાય આપવાની વાત હતી. ગુજરાત સરકારે આપણને સહયો આપ્યો. એક આખી SITની ટીમ બનાવી. સમાજના લોકો સતત લડાઈ આપતા રહ્યા, જેના પરિણામે સફળતા મળી છે.

હીરા સોલંકીએ નવનીત બાલધિયાને ન્યાયની ખાતરી આપી હતી
હકીકતમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મુંબઈના ડાયરામાં બગદાણા આશ્રમને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી બગદાણા આશ્રમના સેવક એવા કોળી યુવક નવનીત બાલધિયાએ માયાભાઈ આહીરને ફોન કરીને તેમની ભૂલ સમજાવવામાં આવી હતી. જે બાદ 29 ડિસેમ્બરની રાતે નવનીત બાલધિયા પર લાકડી અને પાઈપો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલા પાછળ માયાભાઈના પુત્ર જયરાજ આહીરની સંડોવણી હોવાનો નવનીતભાઈનો શરૂઆતથી જ આક્ષેપ હતો. જો કે પોલીસ દ્વારા જયરાજ આહીરને ક્લીન ચીટ આપવામાં આવતા કોળી સમાજ એકજૂટ થયો હતો. આ સમયે હીરા સોલંકીએ નવનીત બાલધિયાને મળીને તેમને ન્યાય અપાવવા માટેની ખાતરી આપી હતી.

આખરે સરકાર દ્વારા આ સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. જેણે પૂછપરછના અંતે હુમલામાં જયરાજ આહીરની સંડોવણી હોવાના પુરાવા હાથ લાગતા ધરપકડ કરી હતી. હાલ જયરાજ આહીર ભાવનગરની જેલમાં કેદ છે.