Bagdana Assault Case: સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બગદાણા પ્રકરણમાં ભાવનગર એસઆઈટી (SIT) એ વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસ તેજ બનાવી છે. આ કેસમાં નવનીત બાલધીયાને માર મારવા માટે હથિયારો પૂરા પાડનાર અજય ભાલ્યા ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણીયાની એસઆઈટીએ ધરપકડ કરી છે. આ કેસમાં સીટની ટીમ દ્વારા જયરાજ આહીરની પુછપરછ બાદ વધુ બે આરોપીની ધરપકડ થતા કેસમાં નવો વળાંક આવી શકે છે.
મળતી વિગતો મુજબ, એસઆઈટીની ટીમ આ બંને આરોપીઓને ઝડપીને ભાવનગર રેન્જ આઈજીની ઓફિસ ખાતે લઈ આવી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી ઉત્તમ બાંભણીયાનો એક ઓડિયો પણ અગાઉ વાયરલ થયો હતો જેમાં તે નવનીત બાલધીયાની સાથે વાત કરી રહ્યો હતો. આ બંને શખ્સોએ બગદાણા ગામના પાદરમાં આવેલા રોડ પાસે મુખ્ય આરોપી નાજુ કામળિયાને ધોકા અને પાઈપ જેવા હથિયાર પૂરા પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા બંને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે અને ત્યારબાદ રિમાન્ડની માંગણી સાથે આવતીકાલે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલમાં એસઆઈટીની ટીમ આ કેસના અન્ય તાર મેળવવા માટે તળાજા પંથકમાં સતત તપાસ ચલાવી રહી છે.
