International Yoga Day 2026: આગામી 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોગ દિવસને ઐતિહાસિક બનાવવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ભવ્ય ઉજવણીની સત્તાવાર વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી. આ વર્ષે ગુજરાતમાં સવા કરોડથી વધુ નાગરિકો એકસાથે યોગાભ્યાસ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે.
માણસામાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ: અમિત શાહ અમદાવાદમાં રહેશે ઉપસ્થિત
ગુજરાતમાં યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો વિવિધ સ્થળોએ હાજર રહેશે.
રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ: આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યોજાશે, જેમાં રાજ્યના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
'Yoga for Healthy Aging' થીમ પર સવા કરોડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન
વર્ષ 2026 ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર થીમ "યોગ ફોર હેલ્ધી એજિંગ" રાખવામાં આવી છે. આ થીમ વધતી ઉંમરે પણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તેમજ સક્રિય જીવન જીવવા માટે યોગના મહત્વને ઉજાગર કરે છે.
આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી સવા કરોડ (1.25 કરોડ) થી વધારે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, જે દર્શાવે છે કે, ગુજરાતમાં યોગ પ્રત્યે જબરદસ્ત જનજાગૃતિ આવી છે.
સમગ્ર ગુજરાતમાં 24,000 થી વધુ યોગ કાર્યક્રમોનું આયોજન
ગુજરાતમાં યોગમય માહોલ ઊભો કરવા માટે ગત 12મી જૂનથી જ વિવિધ પૂર્વ-તૈયારીઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી દેવામાં આવી છે.
- યોગ દિવસ સુધીમાં આખા રાજ્યમાં કુલ 24,000 જેટલા નાના-મોટા યોગ કાર્યક્રમો યોજાશે.
- જિલ્લા કક્ષાએ સમાજના વિવિધ વર્ગોને સાંકળતા 10 થી વધુ મેગા યોગ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
- સ્થાનિક કલેક્ટરો તમામ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોને સફળ બનાવી રહ્યા છે.
ગુજરાત સ્ટેટ યોગબોર્ડ અને 5,000 જનસમિતિઓનો સિંહફાળો
આ ભવ્ય આયોજનની પાછળ ગુજરાત સ્ટેટ યોગબોર્ડ અને સ્થાનિક સંસ્થાઓ રાત-દિવસ કામ કરી રહી છે. આ વખતે જનભાગીદારી એટલી અદભુત છે કે લોકોએ જાતે આગળ આવીને મહોલ્લા અને સોસાયટી સ્તરે યોગ માટેની 5,000 જેટલી સ્થાનિક જનસમિતિઓ બનાવી છે.
યોગ ટીચર્સની માંગમાં બમ્પર ઉછાળો: યુવાનો માટે રોજગારીની નવી તકો
ગુજરાતમાં યોગ પ્રત્યે વધેલી જાગૃતિના કારણે હવે પ્રોફેશનલ યોગ ટ્રેનર્સની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.
- શાળાઓ, કોલેજો, સોસાયટીઓ અને કોર્પોરેટ ઓફિસોમાં યોગ શિક્ષકોની જરૂરિયાત વધી છે.
- યોગ્ય માનદ વેતન અને સારા પગાર સાથે યોગ ટીચરની માંગ સતત વધી રહી છે, જેનાથી રાજ્યના ફિટનેસ ક્ષેત્રના યુવાનો માટે રોજગારીની નવી અને ઉત્તમ તકો ઊભી થઈ છે.
- ગુજરાત સરકાર, સામાજિક સંસ્થાઓ અને કરોડો નાગરિકોના સહિયારા પ્રયાસોથી આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યના ખૂણે-ખૂણે સ્વાસ્થ્ય, શાંતિ અને સકારાત્મકતાનો નવો સંદેશ પહોંચાડશે.
