Loading...

Gujarat UCC Bill: વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે UCC બિલ રજૂ કર્યુ, હર્ષ સંઘવીએ કહ્યું- સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પૂરવાર થશે

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખાશે. મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો આવનારા દિવસોમાં આવી રહ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Mar 2026 12:45 PM (IST)Updated: Tue 24 Mar 2026 04:04 PM (IST)
gujarat-ucc-bill-to-be-introduced-in-assembly-harsh-sanghavi-calls-it-protective-for-women-714335

Gujarat UCC Bill Updates: ગુજરાત વિધાનસભામાં આજે ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ 209 પાનાનું બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત આવું બિલ લાવનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છેકે, ગુજરાતના ઇતિહાસમાં આજના દિવસને સોનેરી અક્ષરોમાં લખવામાં આવશે. આ 'યુસીસી' (UCC) બિલના માધ્યમથી રાજ્યની તમામ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે સમાન અધિકાર અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રખાશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મુકવા જઈ રહ્યા છે. 1947માં આપને આઝાદી મળી ગઈ. પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે.

દરેક સમાજને સરખા અધિકાર મળે એ માટે યુસીસી લાવવામાં આવી રહ્યું છેઃ નાયબ મુખ્યમંત્રી

તેમણે વધુમાં જણાવ્યું છેકે યુસીસી એ દેશના તમામ લોકો માટે એકસરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દિવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી.

હર્ષ સંઘવીએ ઉમેર્યું છે કે, એ દિવસ આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પૂરવાર થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઈટ્સ એટલે કે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ પણ પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે.

બિલ પ્રસ્તુત થવાની સાથે પાસ પણ થશે તેવો મને વિશ્વાસઃ સંઘવી

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. હું રાજ્યના મુખ્યમંત્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીના જે વિચારો છે, તેને ગુજરાતમાં દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે. અને જરૂરથી બહુમતીથી અને હું માનું છું ત્યાં સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત સાથે સાથે પાસ પણ થશે તેવો મને 100 ટકા વિશ્વાસ છે.

ધારાસભ્યો દ્વારા બિલ પર પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવશે

ઉલ્લેખનીય છેકે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ બિલને ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. આ બિલ પર અંદાજે 5 થી 7 કલાક સુધી એટલે કે સાંજના 6 વાગ્યા સુધી અથવા મોડી સાંજ સુધી વિસ્તૃત ચર્ચા ચાલશે. કોંગ્રેસના ધારાસભ્યો આ બિલ પર પોતાની વાત રજૂ કરશે, જ્યારે સરકાર સિવાય સત્તા પક્ષના 7 થી 8 ધારાસભ્યો પણ બિલના સમર્થનમાં બોલશે. વિધાનસભામાં ભાજપની બહુમતી હોવાથી બિલ સરળતાથી પસાર થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને ત્રણ દિવસ માટે ફરજિયાત હાજર રહેવા સૂચના (વ્હીપ) આપવામાં આવી છે.

આ બિલમાં રાજ્યના તમામ લોકોને સમાન અધિકાર આપવાની વાત છે, અને તે ખાસ કરીને મહિલા કેન્દ્રિત છે. નવા બિલમાં લિવ-ઇન રિલેશનશિપ, લગ્ન નોંધણી, લગ્ન વિચ્છેદ (છૂટાછેડા) અને વારસાઈ હક જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સુધારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને, આ બિલમાં બહુપતિત્વ પ્રથા પર સીધો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે અગાઉ ત્રિપલ તલાક નાબૂદ થવાથી જે રીતે લઘુમતી સમુદાયની મહિલાઓને રક્ષણ મળ્યું હતું, તેવી જ રીતે આ નવા કાયદાથી તેમને વધુ એક કાયદાકીય રક્ષણ મળશે.