ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ કડી-કલોલમાં ગાજવીજ સાથે જોરદાર ઝાપટું, બરવાળામાં પોણા 3 ઈંચ ધોધમાર ખાબક્યો

સાંજે 4 થી 6 કલાકના સમયગાળામાં જ 12 તાલુકામાં વરસાદ નોંધાયો. જે પૈકી નડિયાદમાં સૌથી વધુ 53 મિ.મી. અને બોટાદના બરવાળામાં 32 મિ.મી વરસાદ વરસ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Jun 2026 11:35 PM (IST)Updated: Thu, 18 Jun 2026 11:35 PM (IST)
gujarat-rain-data-45-taluka-received-rain-more-than-3-inches-of-rain-fell-in-barwala

Gujarat Rain: ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. જો કે ગઈકાલે સાંજથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડતા રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ વહેલી સવારથી રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 45 તાલુકામાં વરસાદ, બરવાળામાં સૌથી વધુ 70 મિ.મી વરસ્યો

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા દરમિયાન રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ 70 મિ.મી (2.7 ઈંચ) વરસાદ ખાબક્યો છે.

બરવાળા શહેરમાં દિવસભર ધૂપછાવ બાદ બપોરે 4 વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જે બાદ 4 કલાકમાં જ ગાજવીજ સાથે પોણા 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે શહેરના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે વાતાવરણ આહલાદક બનતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ સિવાય ખેડા જિલ્લાના નડિયાદમાં 53 મિ.મી (2.09 ઈંચ), અમદાવાદના ધંધુકામાં 28 મિ.મી (1.1 ઈંચ), સાબરકાંઠાના વડાલીમાં 25 મિ.મી., જામનગરમાં 23 મિ.મી, વડોદરાના સાવલીમાં 20 મિ.મી., મહેસાણાના કડીમાં 19 મિ.મી., જાંબુઘોડામાં 19 મિ.મી વરસાદ વરસ્યો છે.

મહેસાણાના કડીમાં 2 કલાકમાં ધોધમાર અઢી ઈંચ ખાબક્યો

અમદાવાદમાં પણ સમી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં શહેરના રાણીપ, સાબરમતી, ઘાટલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની ઝાપટું વરસ્યું હતુ. આ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો હતો.

જ્યારે રાતે 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાન 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી મહેસાણાના કડીમાં 46 મિ.મી (1.8 ઈંચ) અને ગાંધીનગરના કલોલમાં 27 મિ.મી (1.06 ઈંચ) વરસાદ વરસ્યો છે. જ્યારે વીતેલા 4 કલાકમાં કડીમાં ધોધમાર 65 મિ.મી (2.5 ઈંચ) વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.