Unarmed PSI Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2024-25 ની બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. શારીરિક કસોટી બાદ હવે દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલા ઉમેદવારોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પ્રક્રિયા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ બિન હથિયારી PSI ની કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં શારીરિક કસોટી પાસ કરનાર 1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા ગત તારીખ 13 એપ્રિલ, 2025 ના રોજ લેવામાં આવી હતી.
પરીક્ષાના નિયમો મુજબ, પેપર-1 ના Part-A અને Part-B માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોનું પેપર-2 (વર્ણનાત્મક) તપાસવામાં આવ્યું હતું. તેમાંથી પેપર-2 માં 40 કે તેથી વધુ ગુણ મેળવીને કુલ 8,679 ઉમેદવારો ક્વોલિફાય જાહેર થયા હતા.
દસ્તાવેજ ચકાસણી માટે 1,023 ઉમેદવારોની પસંદગી
નિયમ અનુસાર ખાલી જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. મેરીટના ધોરણે કુલ 1,023 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયા છે. આ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર 29 જાન્યુઆરી, 2026 ના રોજ જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: પંચાયત વિભાગની પડતર મિલકતો હવે બનશે આવકનો સ્ત્રોત, ખાનગી દબાણ દૂર કરી PPP ધોરણે વિકસાવાશે
ક્યાં અને ક્યારે યોજાશે દસ્તાવેજ ચકાસણી?
ક્વોલિફાય થયેલા આ 1,023 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી કામગીરી 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે યોજવામાં આવશે.
ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ
- કોલલેટર: ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર OJAS વેબસાઇટ પરથી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 કલાકથી ડાઉનલોડ કરી શકશે.
- પ્રમાણપત્રો: અનામત જાતિના ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઇટ પર તારીખ 29 જાન્યુઆરી, 2026 ના રોજ મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
