Loading...

ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું સુચારુ આયોજન: શારીરિક પરીક્ષામાં ટેકનોલોજી, પારદર્શિતા અને ઝીરો એરરનો ત્રિવેણી સંગમ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ‘ઝીરો એરર’ ટાર્ગેટ માટે ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 30 Jan 2026 03:41 PM (IST)Updated: Fri 30 Jan 2026 03:44 PM (IST)
gujarat-police-recruitment-2026-physical-examination-foolproof-zero-error-tech-based-system-682447
HIGHLIGHTS
  • શારીરીક કસોટીમાં ઉમેદવારોના પગમાં RFID ચિપનો ઉપયોગ
  • પ્રક્રિયામાં અસંતોષ હોય તેવા ઉમેદવાર માટે સ્થળ પર 'અપીલ બોર્ડ'
  • ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના 15 નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ માહિતી આપતા જણાવ્યું કે, પોલીસ ભરતી માટેના પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર તા. 13 માર્ચ, 2026 સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ, 2026 સુધી શારીરિક કસોટી યોજાશે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

પારદર્શિતા પ્રક્રિયા અને ફુલપ્રુફ વ્યવસ્થા

આ વખતની ભરતી પ્રક્રિયા માત્ર સંખ્યાબળની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ 'સંપૂર્ણ પારદર્શિતા', 'ઝીરો એરર' અને 'અદ્યતન ટેકનોલોજી' ના ત્રિવેણી સંગમ તરીકે ઉભરી આવી છે. સંપૂર્ણ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ઉમેદવારની પસંદગી માત્ર તેની ક્ષમતા અને મહેનતના આધારે જ કરવામાં આવે છે.

ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ  

નીરજા ગોટરુએ વધુમાં જણાવ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જ્યાં તેમને પોતાની મહેનત પર પૂરો ભરોસો રહે. છેવાડાનો યુવાન પણ પોતાની ક્ષમતાથી પોલીસ સેવામાં જોડાઈ શકે તે હેતુથી ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ઉમેદવારોનું બાયોમેટ્રીક રજિસ્ટ્રેશન ફરજિયાત  

ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ક્ષતિરહિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં, હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. તમામ ગ્રાઉન્ડના રિયલ-ટાઇમ મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

શારીરિક કસોટીમાં ટેકનોલોજીનો ઉપયોગ

  • RFID ટેકનોલોજી: શારીરિક કસોટીમાં દરેક સેકન્ડનો ચોકસાઈપૂર્વક હિસાબ રાખવા માટે ઉમેદવારોના પગમાં Radio Frequency Identification- RFID ચિપ લગાવવામાં આવે છે. જેનાથી દોડનો સમય ઓટોમેટિક સિસ્ટમમાં નોંધાય છે.
  • બાયોમેટ્રિક વેરિફિકેશન: કોઈ પણ ગેરરીતિ અટકાવવા માટે દરેક તબક્કે ઉમેદવારનું બાયોમેટ્રીક, ફિંગર પ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે.
  • CCTV સર્વેલન્સ: સમગ્ર ગ્રાઉન્ડ અને ભરતીના તમામ તબક્કાઓ CCTV સર્વેલન્સ હેઠળ કરવામાં આવે છે. દરેક ઉમેદવારની સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવે છે.
  • ડિજિટલ માપણી: ઊંચાઈ અને છાતી માપીને તેના ફોટો ઉમેદવારને કમ્પ્યુટરમાં બતાવવામાં આવે છે.
  • અપીલ બોર્ડ: જો કોઈ ઉમેદવારને અસંતોષ હોય, તો તેના નિરાકરણ માટે સ્થળ પર જ 'અપીલ બોર્ડ' પણ રાખવામાં આવ્યું છે. તેની સમક્ષ રજૂઆત કરી ઉમેદવાર પોતાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકે છે.

અપીલ બોર્ડમાં એક SP કક્ષાના અધિકારી અને એક મેડિકલ ઓફિસર સહિત ચાર સભ્યો હોય છે. અપીલ બોર્ડમાં રજૂઆત થાય તો આ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પુન: ચકાસણી કરવામાં આવે છે.

સ્થળ પર જ મળી જાય છે પરિણામ

ટેકનોલોજીના માધ્યમથી આ પરીક્ષાના પરિણામો પણ સ્થળ પર જ જાણવા મળી જાય છે. તા. 22 થી 29 જાન્યુઆરી સુધીમાં 1,87,874 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા. કુલ 1,16,075 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી, તે પૈકી 50,383 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.

ઉમેદવારો માટે તમામ જરૂરી સુવિધા

ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે તે માટે ગ્રાઉન્ડ પર પીવાનું પાણી, ORS, 108 એમ્બ્યુલન્સ સહિતની મેડિકલ ટીમની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયાની ચુસ્ત સુરક્ષા અને દેખરેખ માટે દરેક ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) અથવા પોલીસ અધિક્ષક (SP) કક્ષાના અધિકારી તથા તેમની મદદ માટે 90થી વધુ પોલીસ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ઉચ્ચ સ્તરીય સુપરવિઝન માટે DIGP/IGP કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.