Gujarat Census 2027: ભારતની વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતમાં 17 મે થી 31 મે, ૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સ્વ ગણતરી પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ નવી સિસ્ટમ દ્વારા સત્તાવાર પોર્ટલ પર જઈને નાગરિકો પોતાની વિગતો ભરી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આ ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાના પરિવારની વિગતો પૂર્ણ કરી હતી. તેમની સાથે સાથે બીજા ઘણા રાજ્ય કક્ષાના મંત્રીઓએ સત્તાવાર પોર્ટલ પર પોતાની વિગતો નોંધી છે.
ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઓનલાઈન નોંધણી કરી
આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 'સ્વ-ગણતરી' (Self-Enumeration) પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી હતી. તેઓએ ગુજરાતના તમામ નાગરિકોને 17 થી 31 મે સુધીમાં se.census.gov.in પોર્ટલ પર જઈને આ રાષ્ટ્રીય કવાયતમાં પોતાની ભાગીદારી અવશ્ય નોંધાવવા નમ્ર અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે, દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સચોટ નીતિઓના નિર્માણમાં આપણું એક નાનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સ્વ -ગણતરી પત્રક ભર્યું
આજે જસદણ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જનગણના - 2027 અભિયાન હેઠળ ડિજિટલ સ્વ-ગણતરી પત્રક ભર્યું હતું. આગળ વાત કરતા તેમણે જણાવ્યું કે, આ વસ્તી ગણતરી પ્રક્રિયા ખૂબ સરળ અને સુલભ છે, સાથે જ દેશના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જનગણના - 2027 ની વ્યાપક તથા મહત્વપૂર્ણ કવાયત દ્વારા કેન્દ્ર સરકાર સમાજના પ્રત્યેક વર્ગની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા અને પૂરી કરવા પ્રતિબદ્ધ છે.

હર્ષ સંઘવીએ ‘સ્વ-ગણતરી’ પૂર્ણ કરી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અભિયાનના બીજા દિવસે જ સુરત સ્થિત પોતાના નિવાસસ્થાનથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જનગણના 2027 માત્ર વસ્તી ગણતરી નહીં પરંતુ ભવિષ્યના વિકાસ માટેનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.

પ્રફુલ પાનસેરિયાએ કરી ઓનલાઇન નોંધણી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કામરેજમાં પોતાના પરિવારની વિગતો ઓનલાઇન નોંધાવી હતી. તેમણે નોંધણી કર્યાનો આનંદ અને ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ ‘સ્વગણના’ અભિયાનમાં સૌ નાગરિકો સક્રિયપણે જોડાઈને આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવે.
ગુજરાતના રાજ્ય સચિવે સ્વગણતરી પૂર્ણ કરી
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ ભારત સરકાર દ્વારા શરુ કરાયેલા ખાસ 'સ્વ-ગણતરી' (Self-Enumeration) અભિયાનમાં સહભાગી થયા હતા. મુખ્ય સચિવએ ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો જાતે ભરી આ ડિજિટલ સેવાનો લાભ લીધો હતો.

રિવાબા જાડેજા સ્વગણતરીમાં જોડાયા હતા.
ગુજરાત સરકારમાં મંત્રી રીવાબા જાડેજાએ રાષ્ટ્રીય વસ્તી ગણતરી હેઠળ સ્વ-ગણતરીમાં ભાગ લીધો હતો. વસ્તી ગણતરી 2027ની ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરીને રિવાબા જાડેજાએ સ્વગણતરી કરી હતી. ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત વિભાગ) રિવાબા જાડેજાએ સ્વગણતરી દરમિયાન 33 પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેમજ લોકોને સ્વગણતરીમાં જોડાવવા અપીલ કરી હતી.

