Surat News: સુરત શહેર સહિત ગુજરાતભરમાં આજથી વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરતના શિક્ષકોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા કે, "બહેનોને સંવેદનશીલ એરિયામાંથી મુક્ત કરો, ઘર કે શાળા નજીક અમને ડ્યુટી આપો. વસ્તી ગણતરી કરીશું ઘર નજીક-શાળા નજીક."
કીટનો અભાવ અને મહિલા સુરક્ષાનો પ્રશ્ન
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉધના ઝોનના સંગઠન મંત્રી ભાર્ગવ ત્રિવેદીએ જણાવ્યું કે, વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ ગઈ હોવા છતાં શિક્ષકોને હજુ સુધી કોઈ કીટ ફાળવવામાં આવી નથી. સૌથી મોટો પ્રશ્ન શિક્ષિકા બહેનોની સુરક્ષાનો છે. કારણ કે તેમને ઝૂંપડપટ્ટી અને ઘરથી અત્યંત દૂરના સેન્સેટિવ વિસ્તાર ફાળવ્યા છે. શાળાના સમય બાદ આવા વિસ્તારોમાં કામગીરી કરવા જવું મહિલાઓ માટે જોખમી બની શકે છે.
અંતર અને મકાનોની સંખ્યામાં મોટો તફાવત
શિક્ષિકા સુરેખાબેન પટેલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, મને ફાળવવામાં આવેલો વિસ્તાર મારી શાળાથી 10 કિમી અને ઘરથી 13-14 કિમી જેટલો દૂર છે. વધુમાં, અગાઉ 200 ઘરની કામગીરી સોંપવાની વાત હતી, પરંતુ હવે તેના બદલે 600થી વધુ ઘરોનો સર્વે કરવાનો વારો આવ્યો છે.
શિક્ષકો પર એકસાથે ત્રણ કામગીરીનો બોજો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિરીટ પટેલે પણ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આગામી 8 જૂનથી શાળાના નવા સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે શિક્ષકો પાસે BLO ની કામગીરી, વસ્તી ગણતરી અને સાથે-સાથે શાળામાં પ્રવેશ ઉત્સવ અને નવા એડમિશનના એકાઉન્ટ ખોલવાની જવાબદારીઓ છે.
એક શિક્ષક આ ત્રણ-ત્રણ કામગીરી કઈ રીતે પહોંચી વળશે તે એક મોટો પ્રશ્ન છે. કેટલાક કિસ્સાઓમાં તો એક જ શિક્ષકને એક કરતાં વધુ બ્લોકના સર્વેની કામગીરી સોંપી દેવામાં આવી છે. સેન્સેટિવ એરિયા અને વધુ અંતરને કારણે ચાલુ શાળાના સમય બાદ આ કામગીરી કરવી અત્યંત મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.
વહીવટી તંત્ર પાસે શિક્ષકોની શું છે માંગ?
- ઝોન બદલવા માટે મહિલા શિક્ષકો સહિત 786 જેટલી અરજી કરાઈ હતી, જેનો હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી, તેથી તે સત્વરે ઉકેલવામાં આવે.
- દરેક શિક્ષકને માત્ર એક જ બ્લોક ફાળવવામાં આવે, અને તે તેમના ઘર અથવા શાળાની નજીક આપવામાં આવે.
- જે શિક્ષકો વસ્તી ગણતરી કરી રહ્યા છે તેમને BLO ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે અથવા તો તેમના ઓર્ડર નજીકમાં જ કરવામાં આવે.
જો તંત્ર આ માંગણી સંતોષશે તો શિક્ષકો રાષ્ટ્રહિતની આ વસ્તી ગણતરીની કામગીરી સરળતાથી અને અસરકારક રીતે કરી શકશે તેવો વિચાર શિક્ષકોએ વ્યક્ત કર્યો છે.
