ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: માણસામાં CM ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યા યોગાસન

સમગ્ર ગુજરાતમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માણસામાં અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગાભ્યાસમાં જોડાયા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 11:09 AM (IST)Updated: Sun, 21 Jun 2026 11:09 AM (IST)
gujarat-celebrates-international-yoga-day-cm-patel-amit-shah

International Yoga Day 2026: સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાતમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પણ યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. રાજ્યના ખૂણે-ખૂણેથી નાગરિકો, યુવાનો અને વડીલોએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લઈને વાતાવરણને યોગમય બનાવી દીધું હતું.

માણસા ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય મહોત્સવ

આ વર્ષે રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આવેલી સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને હજારો નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. માણસા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિકો, યુવાનો અને વડીલો આ ઉજવણીમાં જોડાયા હતા.

અમદાવાદમાં અમિત શાહ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ 48થી વધુ સ્થળોએ યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મુખ્ય કાર્યક્રમ પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગૃહમંત્રીએ તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના આશરે 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે વહેલી સવારે વિવિધ આસનો કર્યા હતા.

રાજકોટવાસીઓએ યોગાસન કરીને યોગ દિવસ ઉજવ્યો

આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, દેવાંગ દાણી સહિતના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ હાજર રહ્યા હતા. બીજી બાજુ રાજકોટ જિલ્લાના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હજારો રાજકોટવાસીઓએ યોગાસન કર્યા હતા.