Loading...

Gandhinagar: કોબા રોડ પર અકસ્માત, પૂરપાટ કારની ટક્કરે 18 વર્ષીય યુવકનું મોત; ચાલક કાર મૂકીને ફરાર

અકસ્માત બાદ કાર ચાલક ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 04 Apr 2026 03:54 PM (IST)Updated: Sat 04 Apr 2026 03:54 PM (IST)
gandhinagar-accident-youth-dies-after-hit-by-car-on-koba-road-721567
HIGHLIGHTS
  • કોબા રોડ પર હિટ એન્ડ રન
  • 18 વર્ષીય યુવકનું કરુણ મોત
  • ફરાર કાર ચાલક સામે ફરિયાદ

Gandhinagar Hit and Run: ગાંધીનગરના કોબા સર્કલથી ગાંધીનગર તરફ આવતા મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે એક ભયાનક હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. પૂરપાટ ઝડપે આવતી ગાડીના ચાલકે રોડ પર ચાલીને જઈ રહેલા 18 વર્ષીય યુવકને અડફેટે લીધો હતો. યુવકનું હોસ્પટલમાં કરુણ મોત નીપજ્યું છે.

પશ્ચિમ બંગાળનો 18 વર્ષીય યુવક  

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ભોગ બનનાર યુવકનું નામ હીમાંગશુ અર્જુનભાઈ શર્મા છે. 18 વર્ષીય હીમાંગશુ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો, અને હાલમાં રાંદેસણ ખાતે રહેતો હતો. યુવક કુડાસણ ખાતે આવેલી 'ધ મસાલા સિક્રેટ' રેસ્ટોરન્ટમાં કિચન હેલ્પર તરીકે કામ કરતો હતો.

બેફામ કારચાલકે મારી યુવકને ટક્કર

ગત 3 એપ્રિલની રાત્રે જ્યારે હીમાંગશુ કોબા સર્કલથી ગાંધીનગર તરફ જવાના રોડ પર શુકન સ્કાય એપાર્ટમેન્ટ પાસેથી ચાલતો પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના બની હતી. GJ-18-BN-6637 નંબરની કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી હીમાંગશુને જોરદાર ટક્કર મારી હતી.

સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત

આ ટક્કર એટલી ભયાનક હતી કે યુવકને માથાના તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર અને જીવલેણ ઇજા પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં હીમાંગશુને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતકના મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

બીજી તરફ કુડાસણની 'ધ મસાલા સિક્રેટ' રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પેથાપુરના રહેવાસી આદિલભાઈ આરીફભાઈ પરમારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 3 એપ્રિલની રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે તેમણે જ હોટલના હેડ સેફ સુખદેવભાઈ ભટ્ટે ફોન કરીને જાણ કરી હતી કે તેમની હોટલમાં કિચન હેલ્પર તરીકે કામ કરતા હીમાંગશુનો અકસ્માત થયો છે.

ફરાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ

આ ગમખ્વાર ઘટના બાદ અકસ્માત સર્જનાર ચાલક પોતાની કાર ત્યાં જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. હાલમાં ઇન્ફોસિટી પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની સઘન શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.