Gandhinagar News: ગ્રીન સિટી તરીકે જાણીતા રાજ્યના પાટનગર ગાંધીનગરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાની યોજના મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરુપે સેક્ટર 1થી 30ને પ્રથમ તબક્કામાં ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે. ઘ,ચ,છ,ખ અને ગ ના રસ્તાઓને પ્રથમ તબક્કામાં બ્લોકિંગ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે અને ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે.
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા બજેટમાં શહેરના રસ્તાઓને ડસ્ટ ફ્રી બનાવવા માટે વિસેષ જોગવાઇ કરાઇ હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્તને લીલી ઝંડી આપવામાં આવી છે. રસ્તાઓની આસપાસ જોવા મળતી માટીને અટકાવીને પ્રદૂષણ ઘટાડી શહેરની સુંદરતા વધારવાનો યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
ગ્રાસિંગ, પેવિંગ અને પ્લાન્ટેશન કરવામાં આવશે
શહેરના જે મુખ્ય માર્ગો છે જે હંમેશા ધમધમતા રહે છે. ત્યાંથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. શહેરના આડા અને ઉભા રસ્તાઓ એટલે કે ઘ ,ચ , છ , ખ, અને જ રોડ પર પેવલ બ્લોક બ્યુટિફિકેશન હાથ ધરાશે. મુખ્ય ત્રણ રસ્તાઓ તથા તેને જોડતા સેક્ટરોના રોડ પર વિશેષ ધ્યાન અપાશે. રસ્તાની બન્ને બાજુએ ગ્રાસિંગ, પેવિંગ અને પ્લાન્ટેશન કરવામાં આવશે. તેમજ ખુલ્લી માટીને ઢાંકી દેવામાં આવશે. જેથી પવન ફૂંકાય કે વાહનોની અવર-જવર થાય તે દરમિયાન ધૂળ ઉડે નહીં.
આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
મળતી વિગતો અનુસાર, મિકેનિકલ સ્વીપિંગ મશીન અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ આ ડસ્ટ ફ્રી પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. રસ્તાઓ અને ફૂટપાથની વચ્ચે ખાલી જગ્યાઓ રહે છે ત્યાં બ્લોક્સ નંખાશે. તેમજ નાની ક્યારીઓ બનાવીને છોડ રોપાશે. આ ઉપરાંત આધુનિક વેક્યુમ સ્વીપર મશીનનો ઉપયોગ રસ્તાઓની સફાઇ માટે કરવામાં આવશે. તદુપરાંત રિંગ રોડ અને આંતરિક માર્ગોને પણ આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાની યોજના છે.
સુંદરતાની સાથે લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહેશે
ડસ્ટ ફ્રી સિટી કરવાના આ પ્રોજેક્ટથી શહેરની સુંદરતામાં તો વધારો થશેજ સાથોસાથ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડશે. ઘૂળના કારણે ઉદ્ભવતી શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઘટાડી શકાશે. જે લોકો સવારે વોકિંગ માટે જાય છે તેમને ક્લીન અને સ્વચ્છ હવા મળી રહેશે. ઉલ્લેખનીય છેકે પહેલા શહેરના રસ્તાઓની બન્ને બાજુ અને શહેરના ખુલ્લા વિસ્તારોમાં ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની ચોજના હતી પરંતુ તેના સ્થાને હવે પેવર બ્લોક લગાવવાનો નિર્ણય કરાયો છે. ડસ્ટ ફ્રી સિટી કોન્સેપ્ટ માટે લોકભાગીદારીથી યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે. સિમેન્ટ બ્લોક પાથરવામાં 80 ટકા સરકાર તથા 20 ટકા લોકભાગીદારી ખર્ચના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
