Devnimori Buddha relics: ભારત અને શ્રીલંકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા અને ભગવાન બુદ્ધના શાંતિના સંદેશને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસારિત કરવાના હેતુથી એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના દેવનીમોરી ખાતેથી ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલા બૌદ્ધ ધર્મને સંલગ્ન પવિત્ર અવશેષોને શ્રીલંકા મોકલવામાં આવ્યા છે.

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા
આપને જણાવી દઈએ કે, ગુજરાતના દેવનીમોરી ખાતેથી ઉત્ખનન દરમિયાન બૌદ્ધ ધર્મને સંલગ્ન પવિત્ર અવશેષો મળ્યા હતા. જેને હવે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે શ્રીલંકા મોકલવામાં આવ્યા છે. અહીં કોલંબો ખાતે યોજાનાર પ્રદર્શનમાં આ પવિત્ર અવશેષો દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. આજે 5 ફેબ્રુઆરીથી આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ભારત અને શ્રીલંકા સંબંધોને મળી મજબૂતી
ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. શ્રીલંકાના 78 મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થયું હતું. કોલંબોના પ્રસિદ્ધ ગંગારામાયા મંદિરના પ્રદર્શનમાં આ અવશેષો મૂકવામાં આવ્યા છે. આમ ભારત અને શ્રીલંકા વચ્ચેના પ્રાચીન બૌદ્ધ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત થયા છે.

રાજ્યપાલ દેવવ્રતના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ
આ પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા અને સ્થાપિત ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ પણ અવશેષો સાથે હતું.

પ્રખ્યાત ગંગારામાયા મંદિરમાં પ્રદર્શન
અગાઉ 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ કોલંબોના પ્રખ્યાત ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા પવિત્ર અવશેષોના પ્રદર્શનનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનના ભાગરૂપે ગંગારામાયા મંદિર ખાતે "પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ" અને "પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી" નામના બે પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Respectfully welcome the Sacred Relics of the Buddha to Sri Lanka today for public veneration until the 11th at Hunupitiya Gangaramaya Temple. I deeply appreciate PM @narendramodi and the Government of India for honouring their promise and enabling this sacred exposition. pic.twitter.com/zDeCYiY1M9
— Anura Kumara Dissanayake (@anuradisanayake) February 4, 2026
પવિત્ર અવશેષોનું પરંપરાગત ધાર્મિક વિધિ સાથે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તેને ગંગારામાયા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્રદર્શન 5 ફેબ્રુઆરી, 2026 થી જાહેર દર્શન માટે ખુલ્લું રહેશે, જેનાથી શ્રીલંકા અને વિશ્વભરના ભક્તો શ્રદ્ધાંજલિ આપી શકશે. અગાઉ, ભારતે 2012માં કપિલવસ્તુ અવશેષો અને 2018માં શ્રીલંકામાં સારનાથ અવશેષોનું પ્રદર્શન યોજ્યું હતું.
