Arvind Kejriwal Letter to Gujarat CM: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને મુલાકાત માટે સમયની માંગણી કરી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, આ મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે જોડાશે.
ગુજરાત ભાજપ પર કર્યા આકરા પ્રહાર
અરવિંદ કેજરીવાલે આ પત્રમાં ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, ભાજપે આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરીને પાર્ટીનું અસ્તિત્વ મિટાવી દેવા માટે એક કાવતરું ઘડ્યું છે. આ કાવતરાના ભાગરૂપે જ છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા 160 થી વધુ AAP કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
AAP national convener Arvind Kejriwal writes to Gujarat CM Bhupendra Patel seeking time for a meeting in which he says Punjab CM Bhagwant Mann would accompany him.
— ANI (@ANI) April 2, 2026
"...BJP has hatched a conspiracy against the Aam Aadmi Party: to arrest the majority of the party's leaders and… pic.twitter.com/G4qx732TdW
ઈસુદાન ગઢવીની અટકાયતનો વિરોધ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડની કડીમાં ગુજરાત પોલીસે બુધવારના રોજ ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પણ ધરપકડ કરી હતી, જોકે તેમને મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે પત્રમાં જણાવ્યું છે કે, ઈસુદાન ગઢવી પોતાના પક્ષના કાર્યકરોની થઈ રહેલા ગેરકાયદેસર ધરપકડ અંગે માહિતી મેળવવા માટે જ પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ચૂંટણીને લઈને પણ કર્યા ગંભીર આક્ષેપ
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહીમાં નોંધપાત્ર રીતે વધારો કરવામાં આવ્યો છે. આ ઘટના પરથી એવો સ્પષ્ટ સંદેશો મળે છે કે ભાજપ પોલીસ દળની તાકાત પર નિર્ભર રહીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાનો ઈરાદો ધરાવે છે.
શું હતો અટકાયતનો મામલો?
આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી-ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને તેમના સમર્થકો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક રજૂઆત માટે ગયા હતા. જોકે, પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી, રાયોટિંગ કરવાના મામલે ઈશુદાન ગઢવી, રામજી પરમાર, ખેરાજ રુડાચ સહિત 18 લોકો સામે નામજોગ અને અન્ય 28 અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
