Dolphin Video Dwarka: યાત્રાધામ દ્વારકા નજીક આવેલા અને વિશ્વવિખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પરથી પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે તેવા અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. શિવરાજપુર બીચના શાંત અને સ્વચ્છ દરિયામાં અચાનક જ ડોલ્ફિન માછલીઓનું એક મોટું ટોળું જોવા મળતા બીચ પર ફરવા આવેલા પ્રવાસીઓ માટે આ એક અદ્ભુત અને અવિસ્મરણીય ક્ષણ બની ગઈ હતી.
દરિયાના ભૂરા પાણીમાં મોજાઓ વચ્ચે કૂદકા મારતી અને અવનવી રમતો રમતી ડોલ્ફિનને નિહાળીને સહેલાણીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. પ્રવાસીઓએ આ દુર્લભ અને આહલાદક નજારાને ચૂક્યા વિના પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરી લીધો હતો. ડોલ્ફિનનું ટોળું એકસાથે કૂદકા મારતું હોય તેવા દ્રશ્યોએ બીચ પર ઉત્સાહનો માહોલ સર્જી દીધો હતો.
શિવરાજપુર બીચ પર અદભુત નજારો: દરિયામાં ડોલ્ફિન જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે રોમાંચ#ShivrajpurBlueFlagBeach #Shivrajpur #ShivrajpurBeach #dwarka pic.twitter.com/bpXBam6zMQ
છેલ્લા કેટલાક સમયના અવલોકન પરથી જાણવા મળે છે કે, ડોલ્ફિન માછલીઓએ હવે દ્વારકાની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં રહેવાનું વધુ પસંદ કર્યું છે. આ વિસ્તારનું શુદ્ધ પર્યાવરણ તેમને અનુકૂળ આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓખાના દરિયામાં પણ ડોલ્ફિનનું આવું જ એક ટોળું જોવા મળ્યું હતું, જે તે સમયે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
શિવરાજપુર બીચના દરિયામાં ડોલ્ફિનની મસ્તીના આ નયનરમ્ય દ્રશ્યો હાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. પ્રવાસીઓ દ્વારા ઉતારવામાં આવેલો ડોલ્ફિનના ટોળાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. લોકો આ અદભુત કુદરતી નજારાને ખૂબ શેર કરી રહ્યા છે.
