Loading...

Unseasonal Rain: સૌરાષ્ટ્રમાં મીની વાવાઝોડા સાથે માવઠું, ભરઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન જવાનો ભય છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 02 Apr 2026 03:47 PM (IST)Updated: Thu 02 Apr 2026 03:47 PM (IST)
saurashtra-unseasonal-rain-cyclone-in-dwarka-junagadh-crop-damage-concern-720249
HIGHLIGHTS
  • સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો
  • દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ
  • પોરબંદરમાં પણ ભારે પવન સાથે માવઠું

Saurashtra Unseasonal Rain: રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે એકાએક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં 'મીની વાવાઝોડા' જેવી સ્થિતિ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો છે. આજે બપોરના સમયે આકાશમાં કાળાડિબંગ વાદળો અને ધૂળની ડમરીઓ સાથે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે.

દ્વારકા-ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર અને વરવાળા વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, ખંભાળીયા તાલુકાના કુવાડિયા, મોવાણ અને દાત્રાણા જેવા ગામોમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદ વરસી પડતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ધાર્મિક પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ

જામ ખંભાળીયાના બેહ ગામે પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અહીં ચાલી રહેલા એક ધાર્મિક પ્રસંગમાં વરસાદ મોટું વિઘ્ન બનીને ત્રાટકતા મંડપ અને ખુલ્લી જગ્યામાં બેઠેલા લોકોમાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.

જગતના તાતની ચિંતામાં મસમોટો વધારો

આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. તૈયાર થવાના આરે ઉભેલા ઉનાળુ પાક જેવા કે તલ અને મગમાં ભારે નુકસાનની આશંકા સેવાઇ રહી છે. પશુઓ માટે સંગ્રહ કરેલો સૂકો ચારો પલળી જવાથી પશુપાલકોની મુશ્કેલી વધી છે. નીચાણવાળા ખેતીવાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકનો કોહવાટ થવાની શક્યતા ઊભી થઈ છે.

ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે. કારણ કે વારંવાર બદલાતા હવામાને ખેતીને જુગાર સમાન બનાવી દીધી છે.

આગામી 24 કલાક માવઠાની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ભેજવાળા પવનોના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ આગામી 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારના રહીશોને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.