Gujarat Weather Update: ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ બેવડું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમીના પ્રકોપની વચ્ચે વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ફરી એકવાર માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ કમોસમી વરસાદ થઇ શકે છે. હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, એક નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળશે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળશે. હાલમાં, ગઈકાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય પાકિસ્તાન અને તેને અડીને આવેલા પંજાબ પર સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) તરીકે સમુદ્ર સપાટીથી 3.1 થી 4.5 કિમીની ઊંચાઈ પર સક્રિય છે. 7 એપ્રિલ, 2026થી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે
તાપમાન અંગેની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, ત્યારબાદના દિવસોમાં પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો (2-3°C) વધારો થવાની શક્યતા છે, જેના કારણે ગરમીનો પ્રકોપ વધશે.
આ પણ વાંચો
હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 એપ્રિલ 2026ના રોજ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ (માવઠું) થવાની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ જિલ્લામાં માવઠાંની શક્યતા છે. નોંધનીય છે કે, રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
હવામાન પલટાતા પાકને નુકસાનની ભીતિ
આ કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે ખેડૂતોના ઊભા પાક, ખાસ કરીને કેળા અને પપૈયા જેવા વૃક્ષોના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને તેમના પાક અને ખેતપેદાશોને સુરક્ષિત રાખવા માટે જરૂરી સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. લોકોને બદલાતી હવામાન પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તૈયાર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. વીજળી પડવાની અને ડાળીઓ તૂટી પડવાની શક્યતાને કારણે ઝાડ નીચે આશ્રય લેવાનું ટાળવું હિતાવહ છે.
