Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે અને આગામી ત્રણ-ચાર દિવસ પણ ગરમીમાં થોડી રાહત રહી શકે છે. જોકે આ સાથેજ ખેડૂતોને ચિંતિત કરે તેવું વાતાવરણ આગામી બે દિવસમાં સર્જાઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 18થી 20 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભાર પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.
18 માર્ચના રોજ કયા જિલ્લામાં માવઠાની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી 18 માર્ચ 2026ના રોજ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પનવ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે.

19 માર્ચના રોજ કયા જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ
19 માર્ચ 2026ના રોજ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલાસડ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ભારે પનવ સાથે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે.

20 માર્ચના રોજ કયા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
20 માર્ચ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ આટલી તકેદારી રાખવી
વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે,તેમ છતાં તકેદારીના ભાગેરૂપે અહીં કેટલાક પગલા તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યા છે.
- કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

- જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
- ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા.
- એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.
- આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણઅધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રીનંબર – 1800 180 1551 નો સંપર્ક કરવો.
