Devbhoomi Dwarka: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તેમજ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં 'શ્રી વિજય ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા સંચાલિત 'શ્રી વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલ'ના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્માણ પામેલા આ શાળાભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
સને 1986માં નિર્માણ પામેલી આ શાળાના જર્જરિત બનેલા મકાનમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા અંદાજે 300 જેટલા કિશોર-કિશોરીઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ટ્રસ્ટીમંડળ દ્વારા શાળાભવનના નવનિર્માણનો નિર્ણય લઇને પરિમલભાઈ નથવાણીને કરવામાં આવેલી રજૂઆતને ગ્રાહ્ય રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળાભવનના નવનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હાઈસ્કૂલમાં કેવી-કેવી સુવિધા મળશે?
10,000 ચોરસ ફૂટના પ્લોટ પર 8,100 ચોરસ ફૂટ બિલ્ટ-અપ વિસ્તારમાં રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે માળનું શાળાભવન આધુનિક ક્લાસરૂમ, આચાર્યશ્રીની ઓફિસ, શિક્ષક રૂમ, એન.સી.સી. ઓફિસ, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, કન્યાઓ અને કુમારો તેમજ સ્ટાફ માટે અલગ-અલગ સેનીટેશન બ્લોક, રમત-ગમતનું મેદાન, CCTV સર્વેલન્સ, ફાયર સેફ્ટી સિસ્ટમ, સોલાર સિસ્ટમ તથા જળ સંરક્ષણ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત અને સંગીતના સાધનો પણ પૂરાં પાડવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિફાઈનરીની આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, જળ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. મારા વતન ખંભાળિયામાં શિક્ષણ સુવિધામાં વધારો કરવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવ અને આનંદની બાબત છે.

શાળાના નિર્માણમાં સતત માર્ગદર્શન આપવા ઉપરાંત દેખરેખ રાખનાર રિલાયન્સના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજભાઈ નથવાણીએ રિલાયન્સના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ પૈકીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અગાઉ કાના ચીકારી, મોટી ખાવડી, પીપળી, પીપળી સ્ટેશન, નવાણીયા, કાનાલુસ વાડી તેમજ જામનગરના લાલવાડી, મેઘપર અને રામદૂતનગર-જોગવડ ખાતે પ્રાથમિક શાળાઓ તથા સિક્કા, મોટી ખાવડી અને ચોરવાડ ખાતે હાઈસ્કૂલોના મકાનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તે શ્રેણીમાં આ ચોથી હાઇસ્કૂલ છે.
ખંભાળિયામાં યોજાયેલા આ લોકાર્પણ સમારંભમાં નગરપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ટ્રસ્ટીગણ, સરકારી અધિકારીઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિમલભાઈ નથવાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
