Health Department Projects: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ખાતે રૂ.42.15 લાખ, ખંભાળિયા તાલુકાના આંબરડી ખાતે રૂ.39.86 લાખ અને રામનગર ખાતે રૂ. 42.51 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ધારાસભ્ય મુળુ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આરોગ્યની સુવિધામાં વધારો
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુ બેરાએ જણાવ્યું હતું કે, પહેલું સુખ તે જાતે નર્યા એટલે કે, સૌથી મોટું સુખ પોતાનું સ્વાસ્થ્ય સારું હોવું છે. જો માણસ તંદુરસ્ત હોય તો જ તે જીવનના બીજા બધા સુખો પ્રાપ્ત કરી શકે છે. પહેલાના સમયમાં વૈદ નાડી તપાસીને નિદાન કરતા હતા. આજના આધુનિક યુગમાં આરોગ્યની સારવારમાં પણ સુધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ બનાવવાની નેમને સાર્થક બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

આરોગ્યની સેવાઓ સુદ્રઢ બનાવાઈ
વધુમાં ધારાસભ્યએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સારવાર મળી રહે, તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર આરોગ્યની સેવાઓ સુદ્રઢ બનાવી રહી છે. સાથે સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આજના ઝડપી સમયમાં નાગરિકો અયોગ્ય આહાર શૈલીને પરિણામે રોગો તથા મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે.

ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને "મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન જનના આરોગ્યની સુખાકારી માટે શરૂ કરેલ પી.એમ.જે.વાય યોજના નાગરિકો માટે આશિર્વાદ સમાન બની છે. સેવક દેવળીયા ખાતે ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવો હસ્તે શ્રમિકોની આરોગ્યની તપાસ માટેના ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં 12 પ્રકારની સેવાઓ
ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં 12 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. જેમાં સગર્ભા ,ધાત્રી માતાની તપાસ , બાળકો અને માતાનું રસીકરણ, કિશોર કિશોરીની સેવાઓ, વૃદ્ધ લોકોની સેવાઓ, આંખ ,કાન, નાક ,ગળું સહિતની સારવાર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉપલબ્ધ થશે.
લોકાર્પણ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ ચાંડેગ્રા, અગ્રણી પ્રતાપ પિંડારિયા, જીતેન્દ્ર કણઝારિયા, સંજય નકુમ સહિત સ્થાનિક પદાધિકારીઓ, સરપંચો અને આરોગ્ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
