Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના ભરચક ગણાતા સોની બજાર વિસ્તારમાં આજે અચાનક ત્રણ આખલાઓ વચ્ચે જાહેર માર્ગ પર જ હિંસક યુદ્ધ છેડાઈ ગયું હતું, જેને પગલે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
આખલાઓના આ આતંકના દ્રશ્યો આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આખલાઓ એકબીજા સાથે ટકરાતા હોવાથી આસપાસના લોકો જીવ બચાવવા માટે ભાગતા નજરે પડે છે.
બજારમાં ભરબપોરે કે સાંજના સમયે જ્યારે લોકોની અવરજવર વધુ હોય છે, તેવા સમયે અચાનક આખલાઓ બાખડતાં રાહદારીઓ અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આખલાઓના આ આક્રમક સ્વરૂપને કારણે ત્યાં પાર્ક કરવામાં આવેલા એક બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રખડતા ઢોરની આ સમસ્યા ખંભાળિયા માટે નવી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, જાહેર માર્ગો હવે પશુઓ માટેના રણમેદાન બની ગયા છે, જેના કારણે નિર્દોષ નાગરિકોની સુરક્ષા સામે મોટો પડકાર ઊભો થયો છે.
વેપારીઓ અને સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પાસે રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. લોકોની માંગ છે કે, શહેરના મુખ્ય માર્ગો પરથી રખડતા ઢોરને પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવે અથવા અન્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી જોખમી ઘટનાઓ ફરી ન બને.
