Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક મહિલા દ્વારા ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એસઓજી અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલા ભેળસેળિયા ઘીનું વેચાણ કરતી હતી
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સલાયા પાંજરાપોળ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ખંભાળિયા નિવાસી એક મહિલા પાસેથી વેચાણ માટે રાખવામાં આવેલ શંકાસ્પદ દેશી ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
ભેળસેળિયા ઘીને લેબમાં તપાસ કરાઈ
ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘીના નમૂનાઓ લઈને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિયમ મુજબ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલી તેની ગુણવત્તા અંગેનો અંતિમ અહેવાલ મેળવવામાં આવશે.
તપાસમાં 9 કિગ્રા ઘીનો નાશ
તપાસ દરમિયાન અંદાજે 9 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ ઘીનો નાશ કરવામાં આવ્યો હતો. લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.
