Devbhoomi Dwarka News: યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર અધિક માસ, ઉનાળુ વેકેશન અને વીકેન્ડના ત્રિવિધ સંયોગને કારણે લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. વહેલી સવારની મંગળા આરતી પૂર્વે જ જગતમંદિરના 'સ્વર્ગ દ્વાર' અને 'મોક્ષ દ્વાર' પર દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી, જેના કારણે સમગ્ર દ્વારકા નગરી ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠી છે.

ધાર્મિક માન્યતા અનુસાર, જે રીતે હરિદ્વારમાં ગંગા સ્નાનનું અનેરું મહત્વ છે, તેટલું જ મહાત્મ્ય દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાન કરવાનું માનવામાં આવે છે. પવિત્ર અધિક માસ દરમિયાન ગોમતી સ્નાનનું સવિશેષ ફળ મળતું હોવાથી, આજે વહેલી સવારથી જ ભાવિકોએ પોતાના પરિવાર સાથે ગોમતી નદીના ઘાટ પર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ગોમતી નદીના વિવિધ ઘાટો પર ભક્તોની ભારે ભીડને પગલે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

કૃષ્ણભક્તોના અવિરત પ્રવાહને કારણે દ્વારકા-ઓખા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર વાહનોની અનેક કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે યાત્રિકો અને સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્વારકા શહેરના તમામ નિર્ધારિત પાર્કિંગ વિસ્તારો ક્ષમતા કરતા વધુ ભરાઈ જવાથી વાહનચાલકોને વાહન પાર્ક કરવા માટે ભારે મથામણ કરવી પડી રહી છે. ટ્રાફિકની ગતિ અત્યંત ધીમી હોવાથી મુસાફરો કલાકો સુધી માર્ગ પર અટવાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

વધતી જતી ભીડ અને ટ્રાફિકની જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા અને ભીડ પર નિયંત્રણ રાખવા માટે મુખ્ય માર્ગો અને મંદિર પરિસરની આસપાસ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસ જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ અને વાહનચાલકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓ સુખરૂપ દર્શન કરી શકે. વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ ભીડ યથાવત રહેવાની શક્યતાને જોતા વધારાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.


