દેવભૂમિ દ્વારકામાંથી ‘અછત’ વચ્ચે ડીઝલની સંગ્રહખોરી પર તવાઇ: SOG એ ખંભાળિયા અને ભાણવડમાં ડીઝલના જથ્થા સાથે બેની ધરપકડ કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પેટ્રોલ-ડીઝલની અછત અંગેની ચાલતી અફવાઓ વચ્ચે ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 25 May 2026 04:45 PM (IST)Updated: Mon, 25 May 2026 04:45 PM (IST)
devbhumi-dwarka-news-diesel-hoarding-sog-police-action

Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પેટ્રોલ-ડીઝલની અછત અંગેની ચાલતી અફવાઓ વચ્ચે ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા SOG ટીમ દ્વારા બે ઘટનાઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

પીકઅપ વાનમાંથી ડીઝલનો જથ્થો મળ્યો

પ્રથમ બનાવમાં ખંભાળિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ખંભાળિયામાં સરકારી સિવિલ હોસ્પિટલ નજીકના એક રસ્તા પર પસાર થતા GJ 05 BU 6332 નંબરના અશોક લેલેન્ડ પીકવાનને અટકાવાયું હતું. જેમાં ચેકિંગ કરતા વાહનમાંથી 1000 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વાહન ચાલક ભીખુ ગોવિંદભાઈ ખીમાભાઈ પિંડારિયાની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી.

શખ્સે સલાયાથી ડીઝલ મંગાવ્યું

પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, માછીમારી બોટના ટોકનના આધારે ફિશીંગ વિભાગ પાસેથી માન્ય ડીઝલ પંપમાંથી નાના મોટા 6 બેરલ ડીઝલના બેરલ, સલાયાના રહીશ હારુન આદમ જસરાયા પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા, ખેતીકામ માટે મશીનરી માટે ડીઝલ મળતુ નથી. આથી તેણે સલાયાથી ડીઝલનો જથ્થો મેળવ્યો હતો. પોલીસને આરોપી પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા નહોતા.

SOG ટીમે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

SOG ટીમે આરોપી પાસેથી રુ.93,650 ની કિંમતનો 1 હજાર લીટર ડીઝલ, રુ. દોઢ લાખની કિંમતનું અશોક લેલેન્ડ પીકઅપ વાન મળીને કુલ રુ. 2,43,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહી SOG વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, સ્ટાફના રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, સ્વરૂપસિંહ જાડેજા, કિશોરભાઈ ડાંગર અને સંજયભાઈ વારોતરીયા દ્વારા કરવામાં આવી હતી.

છકડામાંથી ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું

બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા શનિવારે ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી બાતમીને આધારે ખંભાળિયા તરફથી આવી રહેલા GJ13 AT 3908 નંબરના એક છકડા ચાલકને રાણપરડા ગામના પાટિયા પાસે અટકાવીને ચેકિંગ હાથ ધરાયું હતું. આ છકડા રીક્ષામાં કોઈ આધાર પુરાવા વિનાનું બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે 900 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો હતો.

SOG એ મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી

આ મામલે પોલીસે ભાણવડ તાલુકાના ઢેબર ગામના જુમા ઈબ્રાહીમ હિંગોરાની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 79,200 ની કિંમતનો 900 લીટર ડીઝલનો જથ્થો તેમજ રૂપિયા 55,000 ની કિંમતનો છકડા રીક્ષા મળી કુલ રૂપિયા 134,200 નો મુદ્દામાલ કબજે કરીને વધુની કાર્યવાહી કરી હતી.