Devbhumi Dwarka: આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને તેમના સમર્થકો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવાની ઘટના સામે આવી છે.
પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી, રાયોટિંગ કરવાના મામલે ઈશુદાન ગઢવી, રામજી પરમાર, ખેરાજ રૂડાચ સહિત 18 લોકો સામે નામજોગ અને અન્ય 28 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની અટકાયત કરવામાં આવી છે.
જામખંભાળિયા ડિવિઝનના DYSP વિસ્મય મહેતાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 31 માર્ચ 2026ના રોજ જામખંભાળિયા પોલીસ મથકે એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મૂળ બિહારના વતની દીપક નામના શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો
આ કેસના સંદર્ભમાં 1 એપ્રિલ 2026ના રોજ AAP પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો અને કાર્યકરો દીપકની તરફેણમાં રજૂઆત કરવા માટે જામખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં આ ટોળાએ પોલીસ સ્ટેશનમાં ભારે અરાજકતા ફેલાવી હતી.
પોલીસ સ્ટેશનમાં આવીને ફરજ પરના PSO સાથે ગેરવર્તન કર્યું હતું અને સ્ટાફના સસ્પેન્શનની માંગણી સાથે પોલીસ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કાયદાની મર્યાદા નેવે મૂકીને આરોપીઓ દ્વારા પોલીસ સ્ટેશનની અંદરથી જ ફેસબુક (Facebook) અને વોટ્સએપ (WhatsApp) પર લાઈવ વીડિયો કરવામાં આવ્યા હતા, જેથી લોકોમાં અરાજકતા ફેલાવી શકાય.
પોલીસ સ્ટેશનમાં હાજર PSI દ્વારા ટોળાને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ પોતાની રજૂઆત શાંતિપૂર્ણ રીતે લેખિતમાં આપી શકે છે. તેમ છતાં, આરોપીઓ દ્વારા પોલીસ મથક ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું.
પોલીસ સ્ટેશનના વાતાવરણને ડહોળવા અને ફરજમાં રૂકાવટ કરવાના આ ગંભીર મામલે PSI યુ. કે. જાદવ દ્વારા સરકાર તરફે ફરિયાદી બનીને ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 189(1), 189(2), 191(2), 221, 57, 353(2), 248(2), અને 62 હેઠળ રાયોટિંગ અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવા સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલમાં જામખંભાળિયા પોલીસ દ્વારા આ મામલે કડક વલણ અપનાવીને તમામ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે AAP કાર્યકર્તાઓના મોબાઈલમાંથી ચૂંટણી સબંધિત ડેટા કઢાવવાનો પ્રયાસ કર્યો
આ અંગે વિસાવદરથી ચૂંટાયેલા AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણાં દિવસોથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર દરરોજ કેસ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાતે 2 વાગ્યે સુરેન્દ્રનગર, પોરબંદર પોલીસ દ્વારા AAPના કાર્યકર્તાઓના ઘરે જઈને ધાકધમકી આપવામાં આવી હતી.
ખંભાળિયા પોલીસે સાંજે પાંચ વાગ્યે કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે FIR નોંધાવી હતી, જ્યારે પરમ દિવસે જૂનાગઢમાં પણ FIR કરવામાં આવી હતી. ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસે ધમકાવી તેમના મોબાઈલમાંથી ચૂંટણી સંબંધિત ડેટા કાઢાવવાનો પ્રયાસ કર્યો હતો.
આજે બપોરે અઢી વાગ્યે ઈસુદાન ગઢવીને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમણે આ ઘટનાને દાદાગીરી અને ગુંડાગીરીની હદ વટાવતી ગણાવી અને જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવીને બેસાડી રાખવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવવાની યોજના હોવાનું જણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ લોકોને વિનંતી કરી કે, જે કોઈ મિત્રો ખંભાળિયા પહોંચી શકે તેઓ પહોંચે અને આ લડતમાં સાથ આપે.
