Devbhoomi Dwarka: દ્વારકાની પાસે આવેલા પૌરાણિક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આહીરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતભરના આહીરોનો આ ધર્મપ્રસંગ આહીરસમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહીર સમાજે તૈયારીઓ કરી છે.
મહોત્સવમાં શિવ મહાપુરાણની કથા યોજાશે
દેવભૂમિ દ્વારકા ખાતે તા-29 માર્ચથી 6 એપ્રિલ સુધી નવ દિવસ ચાલનારા આ ધર્મ મહોત્સવનો પ્રારંભ જગદમંદિર દ્વારિકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગના મંદિર, શિખરો પર નૂતન ધ્વજારોહણથી કરવામાં આવશે. આ ધર્મ મહોત્સવમા પીંડારા ખાતે વિખ્યાત કથાકાર પ.પૂ. ગીરીબાપુ દ્વારા શિવમહાપુરાણની 835મી કથા બંન્ને સત્રમાં યોજાશે.
મહાવિષ્ણુયાગ અને ભાગવતજીના પાઠનું આયોજન
પિતૃ તર્પણ કાર્ય માટે પીંડારા તીર્થ પૌરાણિક મહત્વ ધરાવે છે. નવ દિવસ સમગ્ર આહીર સમાજના લાભાર્થે પિતૃ તર્પણનાી વિધિ વિના મૂલ્યે યોજાઈ રહી છે. સમસ્ત જીવમાત્રના કલ્યાણ અને વિશ્વશાંતિની મંગલ મનોકામના સાથે મહાવિષ્ણુયાગ અને ભાગવતજીના પાઠનું નવ દિવસીય આયોજન ધર્મ મહોત્સવમાં કરવામાં આવ્યું છે.
ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરાશે
આ ધર્મ મહોત્સવમાં દરરોજ અંદાજિત દોઢથી બે લાખ ભાવિક ભક્તો પધારશે તે માટે ભોજનની સુંદર વ્યવસ્થા આહીર સમાજ દ્વારા કરવામાં આવેલી છે. ત્યારે મહર્ષિ દુર્વાસા મુનિ આશ્રમ સ્થળે યોજાશે. આ ધર્મ મહોત્સવમા બ્રહ્મ અને ઋષિઓ પ્રત્યે આહીર સમાજનો કૃતજ્ઞભાવ દર્શાવતી બ્રહ્મચોર્યાસી તથા સાધુસમાજની 15 જેટલી દીકરીઓના સમૂહલગ્ન પણ આ પ્રસંગે યોજાશે.
લોકડાયરામાં નામી કલાકારોની હાજરી
ધર્મમહોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં તા-30 માર્ચ અને 2 એપ્રિલના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આ લોક ડાયરામાં ગુજરાતના લોક કલાકારો રાજભા ગઢવી, બિરજુ બારોટ, ગોપાલ સાધુ તથા માયાભાઈ આહીર, દેવરાજ ગઢવી, પરસોતમ પરી, શૈલેષ મહારાજ જેવા ખ્યાતનામ કલાકારો સ્ટેજ શોભાવશે.
આહીર સમાજનું સર્વેને આમંત્રણ
તા 5 એપ્રિલની સાંજે ભવ્ય મહારાસની ઝાંખી જેમાં ભાવેશ આહીર, માલદે આહીર તથા ક્રિષ્ના આહીર જેવા લોક ગાયકો કૃષ્ણપરંપરાના રાસગરબાની રમઝટ બોલાવશે. મહર્ષિ દુર્વાસા મુનિની પૌરાણિક કથાઓ સાથે જોડાયેલા પૌરાણિક અને પવિત્ર તીર્થ સ્થળે યોજાનાર ધર્મમહોત્સવનો લાભ લેવા માટે અખીલ ભારતીય યદુવંશી આહીર સમાજે સાધુ,સંતો મહંતો તેમજ ભાવિક ભક્તોને આમંત્રિત કર્યા છે.
