Devbhoomi Dwarka unseasonal rain: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે શુક્રવારે સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ નોંધાયો છે.
સલાયામાં તોફાની પવન-ધૂળની ડમરીઓ
ગઈકાલે મીઠાપુર અને સુરજ કરાડ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ, આજે શુક્રવારે સવારે પણ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હતો. દ્વારકાના સલાયા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે 8:30 વાગ્યા બાદ પવન અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

કલ્યાણપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
આજે 3 એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 6:00 થી 10:00 કલાકના 4 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સત્તાવાર અહેવાલ મુજબ, આ સમયગાળામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં 26 mm (1.02 ઇંચ) નોંધાયો છે, જે મુખ્યત્વે સવારે 8:00 થી 10:00 કલાક વચ્ચે ખાબક્યો હતો.
વિવિધ વિસ્તારોમાં વરસાદના આંકડા
- કલ્યાણપુર પંથકમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો.
- દ્વારકામાં વરસાદી ઝાપટા સાથે અડધો ઇંચ વરસાદ.
- ખંભાળિયા તાલુકામાં 16 mm (0.63 ઇંચ) વરસાદ નોંધાયો.
- ઓખામંડળ તાલુકામાં 4 કલાકમાં કુલ 7 mm (0.28 ઇંચ) વરસાદ.
- ભાણવડ તાલુકામાં 2 mm (0.08 ઇંચ) વરસાદ નોંધાયો.
આ પણ વાંચો: Gir Somnath: ગીર સોમનાથમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, માત્ર 20 મિનિટમાં જળબંબાકાર
ભારે વરસાદના કારણે પાણી વહેતા થયા
તોફાની પવન સાથે તૂટી પડેલો આ વરસાદ એટલો પ્રચંડ હતો કે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા. અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં પણ 5 mm અને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં છૂટોછવાયો 1 mm વરસાદ પડ્યો છે.

વાતાવરણમાં ઠંડક-ખેડૂતોમાં ચિંતા પ્રસરી
આ વરસાદ અને પવનના સૂસવાટાને કારણે ઉનાળાની બપોર પહેલાં જ વહેલી સવારે વાતાવરણ ઠંડુગાર બની ગયું અને લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતુ, બીજી તરફ ગાજવીજ સાથે પડેલા આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે, કારણ કે આવા હવામાનથી તેમના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે.
