Loading...

ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયોઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કરાં પડ્યા, વેરાવળ-કલ્યાણપુરમાં ગાજવીજ સાથે એક ઈંચ ખાબક્યો

વીતેલા 12 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ નોંધાયો, જે પૈકી પાંચેક તાલુકામાં 20 મિ.મી જેટલો વરસાદ વરસ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 03 Apr 2026 08:17 PM (IST)Updated: Fri 03 Apr 2026 08:17 PM (IST)
ahmedabad-news-gujarat-sees-rainfall-in-18-talukas-thunderstorm-warning-issued-721110
HIGHLIGHTS
  • પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદી માહોલ જામ્યો
  • હવામાન વિભાગે 7 જિલ્લામાં વરસાદનું ઑરેન્જ એલર્ટ આપ્યું

Ahmedabad: ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક ભાગોમાં ધાબળિયો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યના 18થી વધુ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જામ્યો

ચૈત્ર માસનું પખવાડિયું વીતી ગયું હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડવાની જગ્યાએ ચોમાસું જામ્યું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 18 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી દ્વારકાના કલ્યાણપુર અને ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અન્ય તાલુકામાં જોઈએ તો, ભાવનગરમાં 17 મિ.મી, ખંભાળિયા, ઘોઘામાં 16-16 મિ.મી વરસાદ વરસ્યો છે. પાટણમાં 6 મિ.મી, સરસ્વતીમાં 5 મિ.મી,સિદ્ધપુરમાં 3 મિ.મી., પાલનપુરમાં 2 મિ.મી તેમજ મહેસાણાના સતલાસણામાં 1 મિ.મી વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં પણ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગના લેટેસ્ટ નાઉ કાસ્ટમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 7 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો અમદાવાદની વાત કરીએ તો, સાંજ પડતાં જ અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવામાં વસ્ત્રાલ, વટવા, નારોલ, હાથીજણમાં કરાં સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતુ. જ્યારે શહેરના અન્ય ભાગમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.