Ahmedabad News: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રવિવારે રાત્રિના સુમારે બાળકોની રમત દરમિયાન શરૂ થયેલો સામાન્ય ઝઘડો બે પરિવારો વચ્ચેની ઉગ્ર મારામારીમાં પરિણમ્યો હતો. આ ઘટનામાં એક યુવતીને માર મારી છેડતી કરવામાં આવી હોવાના ગંભીર આરોપો પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે આનંદનગર પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સામસામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ કાર્યવાહી વચ્ચે જ બંને પક્ષોએ સમાધાન કરી લીધું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બાળકોનો ઝઘડો છૂટો પાડવા માટે સોસાયટીમાં રહેતા કુણાલ શાહ પહોંચ્યા હતા, તે જ સમયે આર.કે. આંગડિયા પેઢીના કુણાલસિંહ ચુડાસમા પણ પોતાના બાળકનો પક્ષ લેવા સ્થળ પર આવી પહોંચ્યા હતા. પરિણામે, બાળકોનો આ સામાન્ય ઝઘડો વડીલો સુધી પહોંચી ગયો અને વાતાવરણ તંગ બની ગયું હતું.
વાતચીત અને દલીલો ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બહારથી આવેલા આ તત્વોએ સોસાયટીમાં આવીને હંગામો મચાવ્યો અને મારામારી કરી હતી. આ મારામારી દરમિયાન એક યુવતીને પેટના ભાગે માર મારવામાં આવ્યો હતો અને તેની સાથે અડપલાં થયા હોવાનો સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો
ઘટના અંગે કુણાલ શાહે જણાવ્યું હતું કે, બાળકોના ઝઘડામાં હું દખલ કરવા ગયો ત્યારે કુણાલસિંહ ચુડાસમાએ બહારથી લુખ્ખા તત્વોને બોલાવ્યા હતા. બહારથી આવેલા આ લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની પાસે હથિયારો પણ હતા. તેમણે મારી પત્નીને પણ પેટમાં માર માર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ વધે તે પહેલા જ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વિગતો પણ સામે આવી છે.
