Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરના સાયન્સ સિટી, રામોલ અને સરખેજ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે અલગ અલગ ગુના નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કારમાંથી મળ્યો શેર દલાલનો મૃતદેહ
ગતરોજ 2 એપ્રિલની સાંજે સોલા પોલીસને માહિતી મળી હતી કે, સાયન્સ સીટી રોડ પર હેતાર્થ પાર્ટી પ્લોટ નજીક વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ઉભેલી હેરિયર કારમાં મૃતદેહ પડ્યો છે. સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતકની ઓળખ શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરતા 45 વર્ષીય હર્ષદભાઈ પટેલ (પ્રજાપતિ) તરીકે થઈ છે.
મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જેથી પ્રાથમિક તપાસમાં તેમનું મોત હાર્ટ એટેકના કારણે નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, 7 દિવસ પહેલા પણ અમદાવાદમાં GJ-5 પાર્સિંગની એક મર્સિડીઝ કારમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી.
તલાવડીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળ્યો
બીજી ઘટનામાં, આજે 3 એપ્રિલના રોજ વહેલી સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ સરખેજ-ધોળકા રોડ પર આવેલી તલાવડી પાસેથી એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોની જાણ બાદ સરખેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકની ઓળખ 85 વર્ષીય સમુબેન તરીકે કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસના સગીર આરોપીને મોટી રાહત, હાઈકોર્ટે શરતી જામીન આપ્યા
પ્રાથમિક વિગતો મુજબ, સમુબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેઓ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પરિવારમાં કોઈને જાણ કર્યા વગર જ ઘરેથી નીકળી ગયા હતા. પોલીસનું અનુમાન છે કે, તલાવડીમાં ડૂબી જવાને કારણે આ વૃદ્ધાનું મૃત્યુ છે. સરખેજ પોલીસે ગુનો નોંધીને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
રામોલમાંથી ભિક્ષુકનો મૃતદેહ મળ્યો
આ બે ઘટનાઓ ઉપરાંત, શહેરના રામોલ વિસ્તારમાંથી પણ એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ તમામ કેસોમાં મૃતદેહોનો કબજો સંભાળીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
