Loading...

Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી વર્ચ્યુઅલી વસ્ત્રાલમાં રૂ. 61.67 કરોડના ખર્ચે બનેલું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકાર્પણ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 61.67 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ વિશાળ કોમ્પ્લેક્સ 43,890 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 31 Mar 2026 06:59 PM (IST)Updated: Tue 31 Mar 2026 06:59 PM (IST)
ahmedabad-news-pm-narendra-modi-virtually-inaugurate-world-class-sports-complex-in-vastral-719114

Ahmedabad News: અમદાવાદ શહેરના રમતગમતના માળખાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા તરીકે પૂર્વ ઝોનના વસ્ત્રાલ વિસ્તારમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતેથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 61.67 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ વિશાળ કોમ્પ્લેક્સ 43,890 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરના ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાનો તેમજ આવનારા આંતરરાષ્ટ્રીય સ્તરના રમતો માટે તૈયારી મજબૂત બનાવવાનો છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આધુનિક ઇન્ડોર તેમજ આઉટડોર બંને પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આઉટડોર સુવિધાઓમાં 400 મીટર ગ્રાસી એથલેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, 4 આઉટડોર ટેનિસ કોર્ટ, લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પ માટેની સુવિધાઓ તથા વિશાળ પાર્કિંગ એરિયાનો સમાવેશ થાય છે.

આ કોમ્પ્લેક્સમાં લાઈબ્રેરી બિલ્ડિંગ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ બે મુખ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યા છે. લાઈબ્રેરી અને કેફેટેરિયા વિભાગમાં બાળકો બેસી શકે તેવી સેન્ટ્રલ એસી સુવિધા સાથે આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ પાર્કિંગમાં અંદાજે 91 ટુ-વ્હીલર અને 40 ફોર-વ્હીલર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ટેબલ ટેનિસ માટે 6 ટેબલની વ્યવસ્થા સાથે વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, અદ્યતન ફિલ્ટ્રેશન સિસ્ટમ સાથે સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કોચ રૂમ, ચેન્જિંગ રૂમ અને ટોયલેટ બ્લોક જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્વિમિંગ માટે દર્શકોને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ ફ્લોર પર 100 લોકો બેસી શકે તેવી ગેલેરી પણ બનાવવામાં આવી છે.

બે માળના કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર પર આધુનિક જીમ્નેશિયમ સ્ટીમ, સોના અને ઝકુઝી જેવી સુવિધાઓ સાથે સજ્જ છે. મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ હોલમાં યોગા, માર્શલ આર્ટ્સ, જુડો, કરાટે, એરોબિક્સ, બોક્સિંગ અને ફ્લોર એક્સરસાઇઝ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સેકન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ કોર્ટ હોલમાં બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો માટે સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે થર્ડ ફ્લોર પર 176 લોકો માટે બેઠક વ્યવસ્થા સાથે દર્શક ગેલેરી બનાવવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શહેરના યુવાઓ અને રમતવીરો માટે એક આધુનિક કેન્દ્ર તરીકે ઉભરશે અને અમદાવાદને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ મજબૂત બનાવશે.