Loading...

બેટ દ્વારકામાં ભભૂક્યો વિવાદ: બ્રાહ્મણોના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા કાળી પટ્ટી બાંધી વિરોધ, આંદોલનની ચીમકી આપી

મંદિર ટ્રસ્ટ અને બ્રાહ્મણો વચ્ચેના આ વિવાદને કારણે દૂર-દૂરથી આવતા યજમાનો અને શ્રદ્ધાળુઓમાં પણ મુંઝવણ જોવા મળી રહી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 19 Jan 2026 10:44 AM (IST)Updated: Mon 19 Jan 2026 10:44 AM (IST)
bet-dwarka-controversy-brahmins-protest-by-wearing-black-armbands-threaten-agitation-after-entry-into-temple-is-banned-676391

Bet Dwarka controversy: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા મંદિરમાં ટ્રસ્ટ અને બ્રાહ્મણ સમાજ સામસામે આવી ગયા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, હવેથી યજમાનો (યાત્રિકો) ની સાથે તીર્થ પુરોહિતો મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આ આદેશના વિરોધમાં આજે મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ કાળી પટ્ટી ધારણ કરી મંદિરની બહાર મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પેઢી દર પેઢીના અધિકાર પર તરાપનો આક્ષેપ

વિરોધ કરી રહેલા તીર્થ પુરોહિતોનો દાવો છે કે તેઓ પેઢી દર પેઢીથી મંદિરમાં યજમાનવૃત્તિ કરે છે અને આ તેમનો પરંપરાગત અધિકાર છે. બ્રાહ્મણોએ આક્ષેપ કર્યો છે કે, યજમાનો સાથે મંદિરમાં પ્રવેશ રોકવો એ બ્રાહ્મણોના ધાર્મિક અને આર્થિક અધિકારો પર રોક સમાન છે. તેમજ મંદિર સમિતિ દ્વારા બ્રાહ્મણોને પૂજાવિધિ કરતા અટકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અનેક બ્રાહ્મણ પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. અને આ નિર્ણયને પગલે અનેક શિક્ષિત બ્રાહ્મણ પરિવારો બેરોજગાર બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

કાળી પટ્ટી બાંધી રોષ વ્યક્ત કરી રહેલા પુરોહિતોએ મંદિર ટ્રસ્ટ સામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે જો આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે અને તીર્થ પુરોહિતોના અધિકારોનું રક્ષણ નહીં થાય, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

યાત્રિકોમાં પણ અસમંજસની સ્થિતિ

મંદિર ટ્રસ્ટ અને બ્રાહ્મણો વચ્ચેના આ વિવાદને કારણે દૂર-દૂરથી આવતા યજમાનો અને શ્રદ્ધાળુઓમાં પણ મુંઝવણ જોવા મળી રહી છે. યાત્રિકો પોતાની સાથે લાવેલા પુરોહિતો દ્વારા વિધિ-વિધાન કરવા ઈચ્છતા હોય છે, પરંતુ ટ્રસ્ટના પ્રતિબંધને કારણે ધાર્મિક વિધિઓમાં વિક્ષેપ પડી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.